'મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના' અંતર્ગત 100 ટકા પેનલ્ટી માફી 31 માર્ચ 2024 સુધી મળી શકશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં 'મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના' અન્વયે તા. 31 માર્ચ 2024 સુધી 100 ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે.
એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્ટ પણ હાથ ધરી શકાશે.
