મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયું નારીશક્તિ વંદન સંમેલન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા ‘નારી શક્તિ વંદન સંમેલન’ના અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટ પણે જણાવ્યું કે, વિમેન લેડ ડેવલપમેન્ટ દ્વારા વિકસિત ભારત 2047નું નિર્માણ કરીને નારી શક્તિની સહભાગિતાનો નવો ઈતિહાસ વિધાનસભાથી લઈને સંસદ સુધી મહિલાઓની 33 ટકા ભાગીદારીથી રચાય તે માટે આ બિલ સમયસર અમલમાં લાવવાની પ્રધાનમંત્રીની નેમ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નીતિ-નિર્ધારણની પ્રક્રિયામાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકાથી શાસન વ્યવસ્થામાં વધુ સંવેદનશીલતા, પારદર્શિતા અને સંતુલન આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની ની પ્રેરણાથી 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર 21મી સદીના ભારતના ઇતિહાસમાં આ વર્ષ સુવર્ણ અક્ષરે લખાયું છે. સંસદના બંને ગૃહોમાં પસાર થયેલો ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માત્ર મહિલા અનામતનો કાયદો નથી, પરંતુ રાજકીય ફલક પર ક્રાંતિ લાવનારો ઐતિહાસિક દસ્તાવેજ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીની નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે મહત્વનું પગલું ભરવા જઈ રહ્યા છે. આ માટે સંસદનું વિશેષ સત્ર ત્રણ દિવસ માટે યોજાવાનું છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને હંમેશા પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે અને આ અધિનિયમ તેને નવી ઊંચાઈઓ પર લઈ જશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવપૂર્વક કહ્યું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત હંમેશા મહિલાલક્ષી નીતિઓ અને નારી સશક્તિકરણનું પ્રણેતા રહ્યું છે. રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં થયેલી ક્રાંતિની સફળતા પાછળ પરિશ્રમી બહેનોનો સિંહફાળો છે.
તેમની જ પ્રેરણાથી રાજ્યમાં એક દાયકા પહેલા જ પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલાઓને 50 ટકા અનામત આપીને સ્થાનિક સ્વરાજમાં નિર્ણાયક ભૂમિકા આપવામાં આવી છે.મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં મહિલાઓના સામાજિક-આર્થિક ઉત્થાન માટેની વિવિધ યોજનાઓની ભૂમિકા આપતા કહ્યું કે, લાખો બહેનોએ સખી મંડળો દ્વારા આત્મનિર્ભર બની માઇક્રો એન્ટરપ્રિન્યોર તરીકે પોતાની આગવી ઓળખ બનાવી છે. ગંભીર બીમારીઓ સામે PMJAYનું સુરક્ષા કવચ અને ઉજ્જવલા યોજના થકી ધુમાડા મુક્ત રસોડા જેવી અનેક મહિલાલક્ષી યોજનાઓએ તેમના સ્વાસ્થ્ય અને જીવનધોરણમાં સુધારો કર્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ આ PMJAY યોજનામાં સારવાર બાદ ઘરે જવા માટે પણ સરકાર રૂ. 300ની સહાય આપે છે. નમો ડ્રોન દીદી અને લખપતિ દીદી જેવી નવીન યોજનાઓ દ્વારા દેશની કરોડો બહેનોને આર્થિક સ્વાતંત્રતા અને ગૌરવપૂર્ણ જીવન મળ્યું છે.
કેન્દ્ર સરકારની દરેક યોજનાના કેન્દ્રસ્થાને છેવાડાના માનવી અને નાના માણસોનું આત્મસન્માન રહેલું છે. કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણલક્ષી અનેક યોજનાઓના પરિણામે 25 કરોડ જેટલા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર સાથે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં નારી શક્તિ ખભેખભા મિલાવીને આગળ વધશે તેવો વિશ્વાસ આ તકે મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
નારી શક્તિની દ્રઢતા અંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પરિવારમાં માતા, દીકરી કે પત્ની કોઈપણ ભૂમિકામાં નારી હંમેશા મક્કમતાથી ઉભી રહે છે. આ નારી શક્તિ વંદન અધિનિયમના પરિણામે હવે રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપતી થશે અને વિકસિત ભારત માટે ‘વિકસિત ગુજરાત’નું લક્ષ્ય પણ સાકાર થશે. નારીશક્તિ વંદન સંમેલનમાં પોતાના વિચારો રજૂ કરતા ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકાની સાથે આ વિકાસ યાત્રામાં મહિલાઓનું યોગદાન માર્ગદર્શક તરીકેનું છે. આજે રાજ્યમાં મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, સેવા, સ્ટાર્ટઅપ અને શાસન ક્ષેત્રમાં સક્રિય રીતે આગળ વધી રહી છે એટલું જ નહીં પણ તેઓ પોતાના વિકાસની સાથે સમગ્ર રાજ્યની પ્રગતિમાં સહભાગી બની છે. સ્વચ્છતા, આરોગ્ય, પાણી વ્યવસ્થાપન, શિક્ષણ અને સામાજિક વિકાસ જેવા ક્ષેત્રોમાં મહિલાઓએ ઉત્તમ કામગીરી કરી છે, ત્યારે આ પુષ્ઠભૂમિમાં નારીશક્તિ વંદન અધિનિયમ એક ઐતિહાસિક અને દિશાસૂચક પગલું છે. આ અધિનિયમ દ્વારા લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
