મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે સિંગાપોર પહોંચ્યા
Live TV
-
પ્રથમ દિવસે ફાયનાન્સ એન્ડ બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે બેઠક યોજાઈ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરાયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે સિંગાપોર પહોંચ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરાયું છે. સિંગાપોર પ્રવાસનો પ્રારંભ મુખ્યમંત્રીએ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના વેપાર અને ઉદ્યોગમંત્રી ગેન કિમ યોંગ સાથે મુલાકાત દરમિયાન સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર- વાણિજ્ય અને રોકાણો અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રીન્યુઅલ એનર્જી, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, સેમિકન્ડક્ટર, ફૂડ પ્રોસેસિંગ, ડેરી પ્રોડક્ટ જેવા ઈમર્જિંગ સેક્ટરમાં મૂડી રોકાણ લાવવા માટે સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
મુખ્યમંત્રીએ ગુજરાતના લોજિસ્ટિક સેક્ટરની ઉપયોગિતા સંદર્ભે જણાવ્યું કે, ગ્લોબલી કનેક્ટેડ મલ્ટિપલ લોકેશન્સ અને લાંબી કોસ્ટ લાઈનને કારણે ગુજરાત ભારતનું લોજિસ્ટિક હબ તરીકે ઉભરી રહ્યું છે. તેમજ મુખ્યમંત્રીએ સિંગાપોરના ઉદ્યોગ અને વેપાર મંત્રીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું.
