મુખ્યમંત્રી: રાજ્યની મહિલાઓ અને બાળકોના વિકાસ માટે સમાજ અને સરકારની વિશેષ જવાબદારી છે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે, રાજ્યની મહિલાઓ અને બાળકોના વિકાસ માટે સમાજ અને સરકારની વિશેષ જવાબદારી છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે એક હજાર દિવસની કાળજી, માં-બાળક આજીવન રાજી એ ધ્યેયને સાકાર કરવા રાજ્ય સરકારે બજેટમાં રૂ. 800 કરોડની ફાળવણી કરી છે. જેમાં સુપોષિત માતા – સ્વસ્થ બાળક યોજના હેઠળ એક હજાર દિવસ સુધી સગર્ભા બહેનોને પોષક આહાર આપવાનો રાજ્ય સરકારે મહિલાલક્ષી ઉદ્દાત નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળના પ્રથમ દિવસથી જ દેશ અને દુનિયાને બતાવી દીધું છે કે, દ્રઢ નિર્ણય શક્તિ અને સૌને સાથે લઇ વિકાસની ગતિ કેમ બમણી કરી શકાય. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાત પણ પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં વિકાસ તરફ વધુ તેજ ગતિથી આગળ વધે તેવો અમારી ટીમનો પ્રયાસ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત ઝોનના સાત જિલ્લાઓ અને વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં 1416 આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં 7000 જેટલા આંગણવાડી કાર્યકર અને તેડાગરોની ભરતી ફકત બે માસના ટૂંકાગાળામાં ઓનલાઇન પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂંક પત્રો આપવાનો મુખ્ય મંત્રીએ વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે, તેમ કહેતા પટેલે ઉમેર્યું કે, વિકાસનું ગ્રોથ એન્જીન ત્યારે જ કહી શકાય કે વિકાસના ફળ છેવાડના માનવી સુધી પહોંચે અને વંચિત વર્ગ પણ તેની અનુભૂતિ કરે. તેથી સૌના વિકાસ માટે આ સરકાર સતત ઉદ્દમશીલ છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, ગુજરાતના વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની બાબત રહેલી છે. રાજ્યના તમામ બાળકો સુશિક્ષિત બને તે માટે આંગણવાડીથી લઇ ઉચ્ચ શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સુદ્રઢ માળખું ઉભું કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકોનું પ્રાથમિક શિક્ષણથી જ સ્થાયીકરણ થાય એ માટે રાજ્ય સરકારના પ્રયત્નોને પરિણામરૂપ આજે ડ્રોપઆઉટ રેશિયો નજીવો રહ્યો છે.
કોરોના મહામારીમાં થયેલા સેવાયજ્ઞની ભૂમિકા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, એ કપરા કાળમાં દુનિયાના વિકસિત દેશોએ પોતાના નાગરિકોની પરવાહ કરી નહોતી. તેની સાપેક્ષે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની 130 કરોડની જનતાના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવતા કોરોનામાંથી દેશને ઉગાર્યો છે. દેશનો એક ગરીબ પરિવાર આ મહામારીના કારણે ભૂખ્યો ના સુવે તેની ચિંતા કરીને તમામ ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપી તેમની ખેવના કરી છે.
દુનિયાની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના એવી આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના જરૂરતમંદ તમામ પરિવારોને રૂ.5 લાખનું આરોગ્ય સુરક્ષા કવચ પ્રધાનમંત્રીએ પૂરૂ પાડ્યું છે.
ગુજરાતમાં મહિલાઓ અભય છે, સુરક્ષિત છે, તેવું સ્પષ્ટપણે કહેતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં મધરાતે પણ મહિલા બહાર નીકળી કોઇ પણ ગભરાટ વિના ફરી શકે છે. રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઉચિત પ્રબંધ કર્યો છે.મહિલા અને બાળ કલ્યાણ વિભાગને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, માત્ર ખૂબ જ ટૂંકાગાળામાં 7000 જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂંકપત્રો આપી પારદર્શી અને કાર્યદક્ષતાનું કાર્ય કર્યું છે. આગામી એક સપ્તાહમાં પસંદ પામેલી બહેનોને નિયુક્તિપત્રો આપી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નિરાધાર, વૃદ્ધ, દિવ્યાંગો તેમજ મહિલાઓને જરૂરી તમામ લાભ આપી માનવસેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.
