મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
Live TV
-
મુખ્યમંત્રીએ સરદાર સાહેબની તૈયાર થયેલી પ્રતિમાનું નિરિક્ષણ કર્યું હતું અને લોકાર્પણ પૂર્વની તૈયારીઓ અને અન્ય પ્રવાસન સુવિધાઓ માટે થઈ રહેલી કામગીરી નિહાળી હતી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે આજે વિજયાદશમીએ કેવડિયા ખાતે નિર્માણ પામી રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રીના હસ્તે વિશ્વની સૌથી ઊંચી અને અદભુત પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે ત્યારે લોકાર્પણ પૂર્વની તૈયારીઓ અને અન્ય પ્રવાસન સુવિધાઓ માટે થઈ રહેલી કામગીરી નિહાળી હતી. મુખ્યમંત્રીએ સરદાર સાહેબની તૈયાર થયેલી પ્રતિમાનું નિરિક્ષણ કર્યું હતું. સાથે જ આ પરિસરમાં દેશના વિવિધ રાજ્યોના ગામોથી મંગાવેલી માટીથી તૈયાર થનાર લેન્ડસ્કેપ વોલ ઓફ યુનિટી તેમજ 17 કિ.મી. લાંબી અને 230 હેક્ટરમાં ઉભી થનારી વેલી ઓફ ફ્લાવરનું જાત નિરીક્ષણ કરીને પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વિગતો મેળવી હતી. લોકાર્પણ નિમિત્તે અહીં ટેન્ટ સિટી ઊભું કરવામાં આવ્યું છે. વિજયભાઈ રૂપાણીએ આ ટેન્ટ સીટીની મુલાકાત લીધી હતી તેમજ અહીં નિર્માણ પામેલ એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન સાઈટ, ફૂડ કોર્ટ વગેરે સ્થળની પણ મુલાકાત લઇ અધિકારીઓ પાસેથી તે અંગેની તલસ્પર્શી વિગતો જાણી હતી. આ સમગ્ર મુલાકાત દરમ્યાન મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન તેમજ પ્રતિમા નિર્માણ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
