મેદસ્વિતા મુક્ત ગુજરાતઃ નવા વર્ષની શરૂઆત સાથે સ્વસ્થ જીવનનો સંકલ્પ કરી મેદસ્વીતાને માત આપીએ
Live TV
-
નવું વર્ષ માત્ર કેલેન્ડર બદલાવનું નામ નથી, પરંતુ તે નવી આશા, નવી ઊર્જા અને સકારાત્મક પરિવર્તનની તક લઈને આવે છે. વર્ષ 2026માં પ્રવેશ કરતી સાથે આપણે સૌએ સ્વસ્થ, તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલી અપનાવવાનો દ્રઢ સંકલ્પ કરવો જરૂરી બની જાય છે.
આજના ઝડપી જીવનપ્રવાહ અને ફાસ્ટફૂડના જમાનામાં મેદસ્વિતા એક ગંભીર આરોગ્ય સમસ્યા તરીકે ઊભરી આવી છે, જે વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સમગ્ર સમાજ માટે ચિંતાજનક બાબત છે.મેદસ્વિતા માત્ર દેખાવ સુધી સીમિત નથી, પરંતુ તે ડાયાબિટીસ, હૃદયરોગ, હાઇ બ્લડ પ્રેશર, સાંધાના દુખાવા સહિત અનેક ગંભીર બીમારીઓનું મૂળ કારણ છે. અનિયમિત જીવનશૈલી, શારીરિક નિષ્ક્રિયતા, અયોગ્ય આહાર અને તણાવયુક્ત જીવન મેદસ્વિતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આવા સંજોગોમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવી આજના સમયની આવશ્યકતા બની ગઈ છે.
સંતુલિત અને પોષક આહાર સ્વસ્થ જીવનનો આધારસ્તંભ છે. દૈનિક ભોજનમાં લીલા શાકભાજી, ઋતુ અનુસારના ફળો, સંપૂર્ણ અનાજ, દાળ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવાથી શરીરને જરૂરી પોષણ મળે છે. તેલ, ખાંડ અને મીઠાનો અતિરેક ટાળવો તેમજ ફાસ્ટફૂડ, જંકફૂડ અને મીઠા પીણાંથી દૂર રહેવું વજન નિયંત્રણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સ્વસ્થ આહાર અપનાવવાથી માત્ર વજન જ નહીં પરંતુ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
નિયમિત શારીરિક પ્રવૃત્તિ મેદસ્વિતાને નિયંત્રિત કરવાનો અસરકારક ઇલાજ છે. રોજ ઓછામાં ઓછું ૩૦થી ૪૫ મિનિટ ચાલવું, દોડવું, યોગા, પ્રાણાયામ કે સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ શરીરને સક્રિય રાખે છે અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. લિફ્ટની બદલે સીડીઓનો ઉપયોગ કરવો, નાના અંતર માટે પગપાળા ચાલવું જેવી નાની નાની ટેવો પણ લાંબા ગાળે મોટા સ્વાસ્થ્ય લાભ આપે છે.
આ ઉપરાંત પૂરતી ઊંઘ અને તણાવ નિયંત્રણ પણ સ્વસ્થ જીવન માટે અનિવાર્ય છે. અપૂરતી ઊંઘ અને સતત માનસિક તણાવ હોર્મોનલ અસંતુલન સર્જી વજન વધવાનું કારણ બની શકે છે. રોજ 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ, ધ્યાન, યોગ અને પ્રાણાયામ દ્વારા માનસિક સ્વસ્થતા જાળવી શકાય છે.
વર્ષ 2026માં સ્વસ્થ જીવન અપનાવવાનો સંકલ્પ માત્ર વ્યક્તિગત સુખાકારી પૂરતો સીમિત નથી, પરંતુ પરિવાર અને સમાજના સાર્વત્રિક આરોગ્ય સાથે પણ સંકળાયેલો છે. નિયમિત આરોગ્ય તપાસ, તબીબી માર્ગદર્શન અને સકારાત્મક જીવનશૈલી દ્વારા આપણે સૌ મળીને મેદસ્વિતાને માત આપી સ્વસ્થ, સક્રિય અને ખુશહાલ સમાજનું નિર્માણ કરી શકીએ.
મેદસ્વિતા સામે લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મુકીને અભિયાન સ્વરૂપ કામગીરી કરવામાં આવી રહી છે. ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ દ્વારા નાગરિકોને દૈનિક જીવનમાં કસરત, ચાલવું, યોગા અને રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક નાગરિકને શારીરિક રીતે સક્રિય બનાવી સ્વસ્થ ભારતનું નિર્માણ કરવાનો છે.
સ્વસ્થ આહારને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારની પોષણ અભિયાન (POSHAN Abhiyaan) યોજના કાર્યરત છે, જેના અંતર્ગત સંતુલિત અને પોષક આહાર અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. આ યોજના દ્વારા ખાસ કરીને મહિલાઓ, બાળકો અને કિશોરોને પોષણયુક્ત ખોરાક અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, જે મેદસ્વિતા અને કુપોષણ બંને સામે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ, જનજાગૃતિ અભિયાન અને નાગરિકોની સક્રિય ભાગીદારી દ્વારા આવો....આપણે સૌ સાથે મળીને મેદસ્વિતાને માત આપી સ્વસ્થ, સશક્ત અને સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ કરીએ.
