મોરબીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું પ્રધાનમંત્રીના હસ્તે અનાવરણ
Live TV
-
આજે ચૈત્રી પૂનમના પાવન અવસરે માતાજીના મંદિરોમાં તેમજ હનુમાન મંદિરોમાં પૂર્ણિમા તેમજ હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ધાર્મિક આસ્થા અને પૂજનના અવસરે ભારતના પ્રધાનમંત્રીએ પણ આ પ્રસંગને પાવન બનાવવા પોતાનું યોગદાન આપ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના અવસરે આજે મોરબીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનુ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશવાસીઓને હનુમાન જયંતિની શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે રામચરિતમાનસમાં કહ્યું છે તેમ ભગવાનની કૃપા વિના સંતોના દર્શન દુર્લભ હોય છે. આ માત્ર હનુમાનજીની મૂર્તિઓની સ્થાપનાનો સંકલ્પ નથી પરંતુ, આ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પનો પણ ભાગ છે. દરેક લોકો હનુમાનજીથી પ્રેરણા મેળવે છે. રામની જીવનલીલા સૌનો સાથ સૌના વિકાસનું ઉતમ ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની ધરતી સંત અને શુરાની ધરતી છે. અને ખોખરા હનુમાન ધામ સાથે મારો સંબંધ મર્મ, કર્મ અને પ્રેરણાનો રહ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જામનગરનો બ્રાસ ઉદ્યોગ, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ અને મોરબીના ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગથી મિની જાપાન તૈયાર થયું છે. હનુમાનજી ચાર ધામ પરિયોજના અંતર્ગત દેશમાં ચારેય દિશાઓમાં સ્થાપિત કરાઇ રહેલી ચાર મૂર્તિઓમાંથી આ બીજી પ્રતિમા છે. આ પ્રતિમાની સ્થાપના પશ્ચિમમાં મોરબીમાં પરમ પૂજ્ય બાપુ કેશવાનંદજીના આશ્રમમાં કરવામાં આવી છે.
આજના પ્રસંગે લોકો આ કાર્યક્રમમાં ધાર્મિક આસ્થા સાથે જોડાઈ અવસરને માણી રહ્યાં છે તેમજ હનુમાનજીના આશીર્વાદ લઇ રહ્યાં છે.
