રવિવારે સવારે 7થી રાત્રે 9 સુધી જનતા કરફ્યુ માટે AMC હેઠળના વિસ્તારોમાં AMTS., BRTS સંપૂર્ણપણે બંધ : મ્યુનિસપલ કમિશનર
Live TV
-
અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વાયરસના 5 પોઝીટીવ કેસો મળી આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયુ છે. આજે મ્યુનિસપલ કમિશનર વિજય નહેરાએ પત્રકારોને અગત્યની માહિતી આપતા જણાવ્યું હતું , કે જે પરિવાર સ્વૈચ્છિક રીતે 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન રહેવા માંગતા હશે તે તમામને દુધ, પાણી, શાકભાજી, અનાજ અને કરિયાણુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે , અમદાવાદમાં તમામ ખાનગી અને મ્યુનિ. સહિતની માલિકીના તમામ જાહેર જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 માર્ચ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સ પણ 31 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત 31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. આ સિવાય જાહેરમાં થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ.500થી વધારીને રૂ.1000 કરાશે. દંડ ભરવામાં તકરાર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી અટક કરાશે.
રવિવારે સવારે 7થી રાત્રે 9 સુધી જનતા કરફ્યુ માટે AMC હેઠળના વિસ્તારોમાં AMTS., BRTS સંપૂર્ણપણે બંધ રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રવિવારે એએમસીના તમામ બાગ-બગીચા, કાંકરિયા લેક ફ્રન્ટ, ખાણી-પીણી બજારો, ઔદ્યૌગિક એકમો, વાણિજ્ય એકમો,હોટલ-રેસ્ટોરાંના એસોસિયેશનને તમામ એકમો બંધ રાખવા પણ અપીલ કરી છે. રવિવારે ગુજરી બજાર, ત્રણ દરવાજા બજાર, પાનકોર નાકા બજાર, સિંધી માર્કેટ સહિતના બધા બજારો સંપૂર્ણ બંધ રહેશે.
