વિરોધપક્ષ કોંગ્રેસની ગેરહાજરી વચ્ચે વિધાનસભા ગૃહમાં કયા કયા મુદ્ધે શું ચર્ચા થઇ તે જાણો
Live TV
-
ગુજરાત વિધાનસભામાં આજે પરંપરા મુજબ ગૃહ સવારે 10 વાગે શરૂ થયું હતું અને બપોરે 2 વાગ્યા સુધી કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં વિરોધપક્ષ કોંગ્રેસની ગેરહાજરીમાં વર્ષ 2020-21 ના બજેટની વન અને પર્યાવરણ વિભાગની અંદાજે રૂપિયા 1383 કરોડની, આદિજાતિ વિકાસ વિભાગની આશરે રૂપિયા 14 હજાર 101 કરોડની, તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂપિયા 5 કરોડ 72 લાખની માગણીઓ ચર્ચાને અંતે પસાર કરાઇ હતી.
રાજ્ય સરકાર તરફથી કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ ચર્ચાનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 2015 થી માંડીને છેલ્લા પાંચ વર્ષમાં વન બંધુ કલ્યાણ યોજના પાછળ રૂપિયા 92 હજાર કરોડ ખર્ચ્યા છે અને 2017 થી પેસા એક્ટનો અમલ કરીને રેતી અને પથ્થર જેવી ગૌણ ખનિજોની 72 લીઝ આદિજાતિના લોકોને ફાળવી છે. વાંસ જેવી ગૌણ વન પેદાશોમાંથી પ્રાપ્ત રકમ આદિજાતિ વિસ્તારની ગ્રામ પંચાયતોને આપી છે. આદિવાસી સમાજના ઇતિહાસને ચિરંજીવી રાખવા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રૂપિયા 100 કરોડના ખર્ચે મ્યુઝિયમ તૈયાર થઇ રહ્યું છે. રાજપીપળા અને નવસારીમાં બે મેડિકલ કોલેજો ઉપરાંત આદિજાતિ વિસ્તારોમાં 3 સાયન્સ કોલેજો કાર્યરત થઇ છે. આ વર્ષે 10 નવી હોસ્ટેલ કુમાર અને કન્યા માટે ખોલવામાં આવશે. રાજ્યમાં વન અધિકાર ધારા હેઠળ જંગલ જમીનો આદિજાતિના લોકોને નહીં અપાતી હોવાના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આક્ષેપ સંદર્ભે મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, 2006 થી અમલી બનેલા આ કાયદા હેઠળ રાજ્યમાં 90 હજાર 821 જેટલા વ્યક્તિગત અને સામૂહિક દાવા મંજુર કરી 13 લાખ એકર જેટલી જંગલ જમીન આદિજાતિ ખેડૂતોને આપી છે.
ભાજપના 10 જેટલા ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો, જેમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે દર વર્ષે વાવવામાં આવતા કરોડો રોપાંઓમાં જીવંતતાનો દર ઓછો હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, 2019માં 25 હજાર એકર જમીનમાં રોપાં વવાયાં હતાં આને બદલે 10 એકરમાં વવાય પણ 3 વર્ષ સુધી એનું જતન થાય એવા પ્રયાસો થવાં જોઇએ.
ડો.આશાબહેન પટેલે મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા અભયમ્ સેવા બદલ 7 લાખ 82 હજાર નારીઓને સહાય કરવા બદલ સરકારની પ્રશંસા કરી હતી. ધારાસભ્ય અભેસિંહ તડવીએ રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટી તથા દાહોદમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે કોલેજ ખોલવા બદલ સરકારનો આભાર માન્યો હતો. ધારાસભ્ય અરવિંદ રાણાએ આશ્રમ શાળાઓમાં રસોઇયાઓના પગાર લઘુત્તમ વેતન કરતાં ઓછા હોઇ તે વધારવાની માંગ કરી હતી. ધારાસભ્ય રમેશ કટારાએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની તથા રસોઇયાઓની ભરતી કરવા સૂચવ્યું હતું. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આદિજાતિ વિસ્તારોમાં વધુ પ્રમાણમાં એડવેન્ચર પાર્ક વિકસાવવા સૂચન કર્યું હતું. પ્રોફેસર કિશોર ડિંડોરે આદિજાતિ વિસ્તારોમાં વિવિધ 765 જેટલી શાળાઓ સ્થાપી 1 લાખ 30 હજારથી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો લાભ આપવા બદલ સરકારની સરાહના કરી હતી. ધારાસભ્ય નરેશ પટેલે પણ આદિજાતિ સમાજના ઉત્કર્ષ માટે લેવાયેલા વિવિધ પગલાંની પ્રશંસા કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેતરમાં ખેડ તેમજ બાગાયત ખેતી માટે યંત્ર શક્તિ પૂરી પાડતું પાવર ટીલર ઓજાર ખરીદવા સહાય આપવામાં આવે છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં તા. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૨૨૪ ખેડૂતોને પાવર ટીલર ખરીદવા માટે રૂ. ૧,૪૫,૧૧,૩૯૯ની સહાય ચુકવવામાં આવી છે. વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કતારગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે તેમ જણાવ્યું હતું.
વધુમાં જયદ્રથસિંહ પરમારે જણાવ્યું છે કે, અરવલ્લી જિલ્લામાં પપૈયાના પાકના વાવેતર માટે ગત બે વર્ષમાં ૪૫૨ અરજદારોને સહાય ચુકવવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં કુલ ૬૭૦ અરજીઓ મળી હતી જેમાંથી ૬૦૪ મંજૂર કરી ૪૫૨ અરજદારને રૂ. ૧.૭૪ કરોડની સહાય ચુકવવામાં આવી છે. પપૈયા પાક વાવેતરની સહાય મેળવવા ''આઇ. ખેડૂત'' પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને અથવા નાયબ ખેતી નિયામક પાસે રૂબરૂ જઈ જરૂરી ફોર્મમાં અરજી કરી શકાય છે.
હવે પછી વિધાનસભા ગૃહ સોમવારે બપોરે 12 વાગે મળશે
