રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી પૂરજોશમાં
Live TV
-
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેનું નામ શૌર્યનો સિંદૂર લોકમેળો આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મેળામાં હવે 234 સ્ટોલ અને પ્લોટ માંથી 24 સ્ટોલ ખાલી રહ્યા છે. જોકે તે પણ મેળો શરૂ થયા પહેલા અપાય જશે તેવુ કલેકટર ડૉ. ઓમ પ્રકાશનું કહેવું છે. લોકમેળામાં AI અને ડ્રોનની મદદથી ભીડનું નિયંત્રણ કરવામાં આવશે. આ સાથે જ ઈમરજન્સી માટે ડેડીકેટેડ રોડ, 5 વોચ ટાવર પરથી NDRF અને SDRF સહિતની ટીમ ખડેપગે રહેશે. જ્યારે આ મેળામાં અઘોરી ગ્રુપ સહિતના આકર્ષણ જોવા મળશે તો સૌરાષ્ટ્રના નામાંકિત 50થી વધુ કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે સ્ટેજ અપાશે. આ ઉપરાંત હાલ રેસકોર્સ મેદાનમાં હજુ યાંત્રિક રાઈડ ઉભી કરવાનું શરૂ કરવામાં નથી આવ્યું ત્યારે તેઓ ઝડપથી રાઈડ ઉભી કરી સોઈલ ટેસ્ટ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરે તેવું કલેક્ટરે જણાવ્યું હતું.
ક્રાઉડ કંટ્રોલ માટે AIનો ઉપયોગ કરાશે
ડિઝાસ્ટર પોઇન્ટથી વાત કરીએ તો ડ્રોન અને AI મારફત ક્રાઉડ કંટ્રોલ કરવામાં આવશે. આ સાથે જ લોકમેળામાં જે જગ્યાએ સૌથી વધુ ક્રાઉડ એકઠું થાય છે તેવી પાંચ જગ્યાએ વોચ ટાવર ઊભા કરવામાં આવશે. જ્યાં ક્વીક રિસ્પોન્સ ટીમ રાખવામાં આવશે જેમા SDRF, NDRF, હેલ્થ, ફાયર અને પોલીસના જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની સૂચના મળે તો ઝડપથી તે જગ્યાએ ટીમ પહોંચી જશે.
આ સાથે જ મેળાના પ્લાનિંગ માટે ડેડીકેટેડ ઇવેલ્યુશન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. જેથી લોકમેળામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થાય તો તેને પહોંચી વળી શકાય. આ ઉપરાંત લોકમેળામાં તૈનાત તમામ મુખ્ય અધિકારીઓને વોકીટોકી આપવામાં આવશે. જેથી એકબીજા સાથે ઝડપથી કોમ્યુનિકેશન થઈ શકે. આ ઉપરાંત પાર્કિંગના પ્રશ્નો અંગે તેમણે જણાવ્યું કે દર વખતે વાહનો ચોરી થઈ જાય તેવી ઘટના બને છે જેથી આ વખતે પાંચ દિવસ દરમિયાન પાર્કિંગ માટે અલગ અલગ કલરની યુનિક નંબર વાળી રીસીપ્ટ આપવામાં આવશે. જેથી આ રીસીપ્ટ બતાવનાર વ્યક્તિને જ વાહન લઈ જવા દેવામાં આવશે.
રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.14 ઓગષ્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના પાંચ દિવસના લોકમેળાની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ લોકમેળામાં 90 કિલોવોટના 17 વીજ ટ્રાન્સફોર્મરમાંથી વીજ સપ્લાય કરવામાં આવનાર છે. જેમા ચાર ફીડરમાંથી લોકમેળામાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં હાલ 10 જેટલા ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ છે.લોકમેળામાં ચકડોળની ટિકિટમાં રૂ.5 નો વધારો
રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં ચકડોળ એટલે કે મોટી યાંત્રિક રાઇડની ટિકિટના દર રૂ.45 થી વધારી રૂ.50 કરવા માટે મંજૂરી આપવામાં આવેલી છે. 34 યાંત્રિક રાઈડની હરાજી થકી વહીવટી તંત્રને રૂ.1.32 કરોડ તો કુલ 1.80 કરોડ જેટલી કમાણી થઈ છે.
