રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ અપાશે
Live TV
-
રાજ્ય સરકાર, ભાજપના ડૉક્ટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે તાલીમ
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે બેઠક યોજાઇ હતી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના 2 લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. તા. 3જી ડિસેમ્બર અને તા.17મી ડિસેમ્બર-2023ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવશે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે, CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, હવે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ત્યાર બાદ માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકશ્રીઓને પણ તબક્કાવાર તાલીમ આપવાનું આયોજન છે.
