Skip to main content
Settings Settings for Dark

રાજ્યની સરકારી ITI માટે ‘ગણવેશ સહાય યોજના’નો ભવ્ય પ્રારંભ

Live TV

X
  • કુબેરનગર ITI ખાતેથી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે યોજનાનો પ્રારંભ, 1.5 લાખ તાલીમાર્થીઓને સીધો લાભ મળશે

    શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદની કુબેરનગર ITI ખાતેથી રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના તાલીમાર્થીઓ માટે ‘ગણવેશ સહાય યોજના’નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીની ઉપસ્થિતિમાં યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

    289 સરકારી ITIના 1.5 લાખ તાલીમાર્થીઓને લાભ

    આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્યની 289 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)ના તાલીમાર્થીઓ માટે કુબેરનગર ITI ખાતેથી ‘ગણવેશ સહાય યોજના’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માત્ર એકરૂપતા લાવવાનો નથી, પરંતુ તેમનામાં શિસ્ત, વ્યાવસાયિકતા, આત્મવિશ્વાસ અને એક આગવી ઓળખ ઊભી કરવાનો છે. ITIમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી રહેલા યુવાનોનું વ્યક્તિત્વ ખીલે અને તેઓ ગૌરવ સાથે આગળ વધે તે રાજ્ય સરકારની નેમ છે.

    બે જોડી ગણવેશ માટે DBTથી રૂ. 2,000ની સહાય

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં આશરે રૂ. 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના અંદાજે 1.5 લાખ તાલીમાર્થીઓને વર્ષમાં બે જોડી ગણવેશ માટે પ્રત્યેક વિદ્યાર્થીના બેંક ખાતામાં DBT મારફતે સીધા રૂ. 2,000 જમા કરાવવામાં આવશે.

    ITIમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો વધતો ધસારો

    મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજ્યમાં સ્કીલ એજ્યુકેશનના ક્ષેત્રમાં આવેલા સકારાત્મક પરિવર્તનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આજે ITIમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે 90થી 95 ટકા જેટલી બેઠકો ભરાઈ ચૂકી છે. આધુનિક સમયની માંગ મુજબના અભ્યાસક્રમો અંગે તેમણે જણાવ્યું કે કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટી (KSU) ખાતે કાર્યરત એડવાન્સ્ડ ડ્રોન ટેકનોલોજીની તાલીમ લઈ રહેલા આશરે 35 વિદ્યાર્થીઓમાંથી લગભગ 50 ટકા વિદ્યાર્થીઓ ITI બેકગ્રાઉન્ડ ધરાવે છે.

    યુવાનોને ગ્લોબલ સ્કીલ સાથે જોડવાનો હેતુ

    રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047ના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની ITI સંસ્થાઓને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો છે, જેથી ગુજરાતના યુવાનો માત્ર રાજ્ય કે દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ જઈને રોજગારી મેળવી શકે અને પોતાની સ્કીલ ડેવલપ કરી શકે.

    ITI પાસ વિદ્યાર્થીઓ હવે ઇન્ટરવ્યુઅર બની રહ્યા છે

    કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીએ યુવાનોને પ્રોત્સાહિત કરતાં તાજેતરના રોજગાર મેળાઓની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે અગાઉ ITIમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ આજે ઇન્ટરવ્યુઅર તરીકે પાછા ફરી રહ્યા છે. તેમણે આજના ‘જનરેશન ઝેડ’ (Gen Z) યુવાનોને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના 23 વર્ષની વયે કરેલા ઐતિહાસિક બલિદાનનું સ્મરણ કરાવીને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

    વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ સહાય

    નોંધનીય છે કે રાજ્યની ITIમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ હેઠળ પ્રથમ વર્ષે રૂ. 15,000 અને બીજા વર્ષે રૂ. 9,000, એમ કુલ રૂ. 24,000ની આર્થિક સહાય આપવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને ITI કેન્દ્રો સુધી પહોંચવામાં સરળતા રહે તે હેતુથી રૂ. 3,000ની મુસાફરી સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

    તાલીમાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા ‘વિશ્વકર્મા કૌશલ્ય સ્પર્ધા’ અંતર્ગત વિજેતાઓને જિલ્લા કક્ષાએ રૂ. 7,000, પ્રાદેશિક કક્ષાએ રૂ. 25,000 અને રાજ્ય કક્ષાએ રૂ. 50,000ના રોકડ પુરસ્કારો પણ એનાયત કરવામાં આવશે.

    રાજ્યભરની ITIના તાલીમાર્થીઓ વર્ચ્યુઅલી જોડાયા

    આ કાર્યક્રમમાં રોજગાર અને તાલીમ નિયામક એ. કે. વસ્તાણી, અધિક નિયામક નીલાંજલા રાજપૂત, ITIના પ્રિન્સિપાલ નિરવભાઈ દેસાઈ, કોર્પોરેટર સન્નીભાઈ ખાનચંદાની, મંજુલાબહેન ઠાકુર, કમલેશભાઈ પટેલ સહિત શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની તમામ ITIના તાલીમાર્થીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. ‘ગણવેશ સહાય યોજના’ને ITIના વિદ્યાર્થીઓમાં શિસ્ત, વ્યાવસાયિકતા, આત્મવિશ્વાસ અને આગવી ઓળખ વિકસાવવાની સાથે યુવાનોને ગ્લોબલ સ્કીલ સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply