રાજ્યમાં મોસમનો 83 ટકા વરસાદ નોંધાયો : મેઘતાંડવથી ઠેર-ઠેર જનજીવન અસ્તવ્યસ્ત
Live TV
-
રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. રાજ્યમાં મોસમનો 83 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. એ અરસામાં ઠેર - ઠેર જનજીવન અસ્તવ્યસ્ત પણ થયું છે. જળબંબાકારની સ્થિતિમાં અનેક સ્થળે રેસક્યુ કામગીરી કરવાની પણ ફરજ પડી હતી.
-અરવલ્લીમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે
અરવલ્લી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. બાયડ નજીકનો ઝાંઝરી ધોધ ફરી ખીલી ઉઠ્યો છે. લોકો ધોધ દર્શનનો આનંદ લઈ રહ્યા છે. તકેદારી માટે સ્થાનિક વહિવટીતંત્રએ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો મોડાસામાં સાત મિલીમીટર, ભીલોડામાં આઠ મિલી મીટર, માલપુરમાં 18, તો બાયડમાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં સારો વરસાદ થતાં અરવલ્લી જિલ્લાના માઝૂમ, મેશ્વો, વાત્રક તેમજ વૈડી જળાશયમાં પણ પાણીની સારી આવક થઈ રહી છે.-દેવભૂમિ દ્વારકામાં 50 લોકોનું સ્થળાંતર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સહકારી તંત્ર પણ આ સંજોગોમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે સતર્કપણે કાર્યશીલ છે. દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામે જાંબુડા તળાવ ભરાઈ જતાં તે ફાટે નહીં અને ફાટે તો સ્થાનિકોને હાલાકીનો ભોગ ના બનવું પડે તે હેતુસર, તંત્રએ આગોતરા પગલાં લીધા હતા. મામલતદાર અને પોલીસે તળાવ નજીકના નીચાણવાળા વિસ્તારમાં વસી રહેલા 50 જેટલા સ્થાનિકોનું પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાવ્યું હતું. તંત્રે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેતાં તંત્રની પ્રશંસા થઈ હતી.-રાધનપુરમાં ભારે વરસાદથી છત તૂટી પડી
રાધનપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે મધરાત્રે બસ સ્ટેશન નજીક આવેલા વીર સાવરકર સંકુલની છત તૂટી પડી હતી. છત તૂટી પડતાં ઈમારત આસપાસની દુકાનોને પણ નુકસાન થયું હતું.આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.-જામનગરના કાલાવાડમાં જળબંબાકારની સ્થિતિ
જામનગરમાં ગઈકાલે પૂરા દિવસ ભારે વરસાદ પછી સાંજે વરસાદે વિરામ લીધો હતો. જામનગરના મોટાભાગના નદીનાળા અને જળાશયો છલકાતાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી. જામનગરના જોડિયા અને ધ્રોલમાં ભારે વરસાદ થતાં સ્થાનિક તંત્રને રેસક્યુ ઓપરેશન હાથ ધરવાની ફરજ પડી હતી. જોડિયાના બાલભા સહિતના ગામોમાં પાણીમાં ફસાઈ ગયેલા લોકોને એરફોર્સના હેલીકોપ્ટરની મદદથી બચાવી લેવાની ફરજ પડી હતી. જો કે, જિલ્લાના કુલ 26માંથી 21 જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. તેમાં જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમનો પણ સમાવેશ થાય છે. સાત જેટલા બંધ ઓવરફલો થયા હતા. જ્યારે કાલાવાડમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો.-રાજકોટમાં મેઘપ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત
રાજકોટ શહેરમાં 17 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા સાથે ન્યારી 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. આ વિસ્તારમાં તંત્રને રેસક્યુ કામગીરી હાથ ધરવાની ફરજ પડી હતી. ન્યારા ગામથી ખંભાળા ગામ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આજી 1 ડેમમાં પણ પાણીની મોટી આવક થતાં શહેરીજનો વરસાદની મોજ માણવા આજી ડેમ પહોંચી ગયા હતા.-છોટા ઉદેપુરમાં નદી-નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ
છોટાઉદેપુર પંથકમાં મેધરાજા મહેરબાન હોવાથી નદીનાળામાં પૂરઝડપે પાણી વહી રહ્યા છે. બાડેલી તાલુકાના વણધા ગામે કોઝ વે પર પણ પૂરપાટ ઝડપે પાણી વહી રહ્યા હતા. આ દરમિયાન એક મોટર સાઈકલ સવાર યુવાને તે કોઝ વે પસાર કરવા પ્રયાસ કરતાં તે પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. સ્થાનિકોએ તેને બચાવવા ભરપૂર પ્રયાસ કર્યા હતા. સ્થાનિક તરવૈયા પણ પાણીના પ્રવાહમાં કૂદી પડ્યા હતા. આખરે સ્થાનિકોએ નજીકના ઘરોમાંથી સાડી મંગાવીને તેની મદદથી તણાઈ રહેલા યુવાનને બચાવી લીધો હતો.-વડોદરા: આજવા સરોવરની સપાટી 212.10 ફૂટ પર
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 16 મીમી વરસાદ નોંધાયો છે. જેના કારણે આજવા સરોવરની સપાટી 212.10 ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી 30.25 ફૂટ પર પહોંચી છે. તેમજ પ્રતાપપુરા સરોવર 228.50 ફૂટની સપાટી પર છે.-સુરેન્દ્રનગરમાં 10 સ્થાનિકો તણાયા : ત્રણનો બચાવ, 6નાં મૃતદેહ મળ્યા
રાજ્યમાં વરસી રહેલા અનરાધાર વરસાદે, જાનહાનિ પણ સર્જી છે. ધ્રાંગધ્રાના વાવડી-મોટી માલવણ ગામે નદીના પ્રવાહ વચ્ચે ટ્રેક્ટર ફસાયું હતું. 10 સ્થાનિકો તે ટ્રેક્ટરમાં ફસાઈ ગયા હતા અને તણાવા લાગ્યા હતા. સ્થાનિકોએ તે પૈકી ત્રણ લોકોને તો બચાવી લીધા હતા, પરંતુ આજે વહેલી સવારે છ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા તથા અન્ય એક વ્યક્તિ હજી લાપતા છે.
