રાજ્યમાં શ્રીકારવર્ષા, મુશળધાર વરસાદની સ્થિતિને પહોંચી વળલા NDRFની ટીમો કરાઈ તૈનાત
Live TV
-
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘ રાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા બે ત્રણ દિવસથી શ્રીકાર વર્ષાને કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે. રાજ્યના 60 થી વધુ તાલુકામાં એક થી 16 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગઈકાલે સાંજે માત્ર બે કલાકમાં જ જાણે આભ ફાટ્યું હોય તેમ 12 ઈંચ વરસાદ થી ,અનેક વિસ્તારો પાણી માં ગરકાવ થઈ ગયા હતા. કોડિનારમાં 8 ઈંચ, સુત્રાપાડા, વિસાવદર ,અને માળિયા હાટિનામાં 4, 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ખાંભા અને ગીર ગઢડા માં 3 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, તો રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં પણ 4 થી 6 ઈંચ મેઘ વર્ષા થઈ હતી. ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદના પગલે કોડીનારના મઠગામમાંથી પસાર થતી સોમેત નદી ,બે કાંઠે થઈ ગઈ છે.
હિરણ, કપીલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ એવા પ્રભાસ તીર્થ ખાતે ,પાણી ની સારી આવક થઈ છે.આ સિવાય ,જિલ્લા ના જળાશયો માં ,નવા નીર ની ,આવક થઈ છે. તો જૂનાગઢ વિલિંગ્ડન ડેમ ,ઓવર ફ્લો થતાં જૂનાગઢ વાસીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેમ માં પાણીની અધધ આવક થઈ છે. જંગલ વિસ્તારમાં વરસાદથી પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.અને મનમોહક દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે.
જામનગર જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જામજોધપુર માં 5, કાલાવડ માં 4, ધ્રોલ માં 3.5 અને લાલપુર માં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં શ્રીકાર વર્ષાને કારણે નદી-નાળા છલકાયા હતા.ચેક ડેમ માં ,નવા નીરની આવક થઈ હતી. વાવેતર માટે કાચા સોના જેવા વરસાદથી ધરતી પુત્રો ગેલમાં આવી ગયા હતા, તો રાજકોટમાં પણ સવાર થી જ ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના લોધીકા, ધોરાજી અને પડધરીમાં દોઢ ઈંચ જ્યારે જામકંડોરણા અને ગોંડલમાં એક ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
તો નવસારીમાં પણ સારા વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે.તો વલસાડ જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો હતો.3થી 4 ઈંચ વરસાદને કારણે નીંચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તો મોરબીમાં વરસાદથી ખેડૂતોનો આનંદ સમાતો ન હતો.
આ તરફ રાજ્યના મહત્વના શહેર અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે ગુજરાત પર બે સીસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વરસેલા વરસાદ અંગે અમારા સંવાદદાતાઓએ વધુ માહિતી આપી હતી.
