રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, ગુજરાતના ડેમોમાં નવા નીરના વધામણા
Live TV
-
ભારે વરસાદની આગાહી અને ઉપરવાસમાંથી પાણીની આવક કડાણા ડેમમાં વધી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં, બનાસકાંઠામાં ભારે વરસાદ ધોધમાર વરસાદ પડશે.આ સાથે અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, ઉત્તર ગુજરાતમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ યથાવત છે અને તે આગળ વધી રહ્યું છે. જેને પગલે આજે ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે. જો કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે.
ભારે વરસાદની આગાહી અને ઉપરવાસમાંથી પાણીની આવક કડાણા ડેમમાં વધી રહી છે. જેના પગલે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે મહી નદીના કિનારાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની સલામતી માટેના પગલાં હાથ ધરાયા છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા માટે NDRF ની એક ટીમને લુણાવાડામાં તહેનાત કરવામાં આવી છે આ ટીમ 25 સદસ્યની છે અને તેમની સાથે અત્યાધુનિક સાધનો સાથે ત્રણ રેસ્ક્યુ બોટ સહિતના સાધનો છે જે કોઈ પણ પ્રકારની પૂરની પરિસ્થિતિમાં કામ કરી શકે છે. આ ટીમ ચોવીસ કલાક કાર્યરત રહેવાની ક્ષમતા ધરાવે છે અને ગમે તેવા વિષમ સમયમાં પણ રેસ્ક્યુ કરી શકે છે.
મહેસાણા ખાતે આવેલ ધરોઈ ડેમમાં 4 વર્ષ બાદ પ્રતિ કલાકે 65.70 લાખ લીટરની ક્ષમતાએ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જે માટે 105 કિમિ દૂર ગાંધીનગરના પિયજ ખાતે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી ઉપાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે ધરોઈ ડેમ એ ઉત્તર ગુજરાતના 9 શહેરો અને 538 ગામડાઓ માટે પીવાના અને સિંચાઈના પાણી પુરા પાડી જીવાદોરી સમાન ગણાતો ડેમ છે પરંતુ, ચાલુ વર્ષે ધરોઇના નીર તળિયે બેસતા ડેમમાં પાણીની અછત સર્જાઈ છે ત્યારે આ ડેમમાં 4 વર્ષ બાદ ફરી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. વર્ષ 2004માં 294 કરોડના ખર્ચે 105 કિમિ લાંબી પાઇપો નાંખવામાં આવી હતી જે પાઇપ લાઇન થકી પ્રતિ કલાકે 1.76 કરોડ લીટર પાણી ડેમમાં ઠાલવી શકવાની ક્ષમતા રહી છે, ત્યારે હાલમાં આ ડેમમાં પ્રતિ કલાકે 56.70 લાખ લીટર પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.
કડાણા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી બે લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક રહેતા કડાણા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી આશરે 1 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમની સપાટી 414 ફૂટે આવતા 8 ગેટ ખોલવામાં આવ્યા છે. મહી નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે થઈ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને નદી કાઠે રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. મહી નદીમાં પાણી છોડવાના પગલે તેના પરથી પસાર થતા ગોઢીયાર અને હાડોળ પુલ પર ભારે વાહનની અવર જવર બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત રાત્રીએ પણ મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતુ. જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી.
મહેસાણા જિલ્લામાં છેલ્લાં બે દિવસથી મેઘ મહેર શરુ થઈ ગઇ છે. જિલ્લામાં છેલ્લે છેલ્લે ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક અને લોકોમાં પ્રસન્નતા પ્રસરી ગઇ છે. ધીમીધારે આ જગતનો તાત એવો ખેડૂત ખુશ થયો અને ધીમે ધીમે વરસતા વરસાદથી જમીનમાં સારો ભેજ રહે છે. બે દિવસથી સતત હજુ પણ વરસી રહેલા વરસાદ તથા ઉપવાસમા થયેલ સારાં વરસાદથી જિલ્લાના ધરોઈ ડેમમાં નવા નિરની આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાં નવા 184.85 ઘન ફુટ પાણીની આવક થતાં ડેમની સપાટી 592.68 ફુટ સુધી પહોચી છે. જ્યારે બીજી તરફ ખાસ કરીને જે ખેડૂતોએ જળ સંચય માટે પોતાના ખેતરનું તથા આજુબાજુના પાણીનો તેમનાં કૂવામાં સંગ્રહ થાય તે માટે વ્યવસ્થા કરનારા ખેડૂતોના કુવા વરસાદી પાણી દ્રારા રિચાર્જ થઈ રહ્યાં છે. વિસનગર તાલુકાના લક્ષમણ ભાઇ પટેલ પોતાનાં ખેતરમાં કુવામાં આવા પાણીનો સંગ્રહ કરી રહ્યાં છે.
આ વર્ષે મેઘ મહેર થતા નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત દરવાજા ખોલી પાણી વહેંવડાવવામાં આવ્યું છે અને હજુ પણ સતત પાણી આવક રહેતા નર્મદા ડેમની જળ સપાટી 132.29 મીટર પાર કરી ગઈ છે અને હજુ પણ સતત પાણીની આવક સરદાર સરોવરમાં છે, હાલમાં પાણીની આવક નર્મદા ડેમ પર પાણીની આવક 93 હજાર 5 ક્યુસેક છે જ્યારે જાવક 92 હજાર 770 ક્યુસેક છે. તંત્ર દ્વારા પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે. સતત પાણીની આવકના કારણે 1200 મેગાવોટના વીજ મથકને સતત ચલાવવમાં આવતા કરોડો રૂપિયાના વીજ ઉત્પાદનનો ફાયદો થઇ રહ્યો છે. સતત પાણી આવી રહ્યું છે જેમાંથી વીજ ઉત્પાદનની સાથે સાથે સાબરમતી નદી તેમજ સૌની યોજના, તેમજ રાજ્યના જે ખાલી તળાવો છે જેને ભરવામાં આવી રહ્યા છે. ડેમના ગેટ ખોલીને જે પાણી છોડાય છે જેના કારણે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં નર્મદા નદીમાં પાણી ન હોવાથી જે ખારાશ હતી, તે ધોવાઈ રહી છે. આમ નર્મદા ડેમની જળ સપાટી 132 મીટરને પાર કરતા અનેક ફાયદા જોવા મળી રહ્યા છે.
રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં લો પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશરની અસરના પગલે ઉત્તર ગુજરાતના તમામ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદને લઈ કેટલીક જગ્યા પર વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તકેદારી રાખવા સૂચના પણ આપવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા તેમજ ભિલોડામાં Visibility ઓછી હોવાને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છુટાછવાયો વરસાદ પડ્યો હતો.
