રાજ્યમાં 20થી વધુ જિલ્લાઓના વાતાવરણમાં પલ્ટો આવ્યો, કમોસમી વરસાદથી પાક નુકસાનની ભીતિ
Live TV
-
રાજકોટમાં હિમવર્ષાથી માલિયાસણ ઓવરબ્રિજ પર બરફની ચાદર પથરાઈ હતી. તેમજ માવઠાને લીધે જીરું, ચણા અને ધાણાના પાકને નુકસાન થવાની ભીતિ છે.
26 નવેમ્બર રવિવારના દિવસે સવારથી જ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. જ્યારે અમદાવાદ, સુરત જેવા શહેરોમાં દિવસભર વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ અનેક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 26 અને 27 નવેમ્બરના દિવસે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના 20 કરતા વધુ જિલ્લાઓમા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. લોકો શિયાળો બેસવાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યાં છે ત્યારે માવઠું થયું છે. આજે સવારે આઠ થી દસ વચ્ચે આંકડાકીય માહિતી જોઇએ તો સુરતમા 29 મીમી, જ્યારે લોધીકા-26, વંથલી-19, હાંસોટ-19, કેશોદ-16, લિલિયા-16, ધોરાજી- 15, ગઢડા-15, જેતપુર-14, કોટડા સાંગાણી વિસ્તારમાં 12 મીમી વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય વિસ્તારોમા ફક્ત રોડ ભીના થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દરિયા પટ્ટી વિસ્તારમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તો હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો. વઘઈ સહિત આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સાથે મોરબી વાંકાનેર પંથક મા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવતા સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ જામ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના શહેરોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીર-સોમનાથ, જૂનાગઢમાં વ્હેલી સવારથી અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. જ્યારે રાજકોટમાં હિમવર્ષાથી માલિયાસણ ઓવરબ્રિજ પર બરફની ચાદર પથરાઈ હતી. તેમજ માવઠાને લીધે જીરું, ચણા અને ધાણાના પાકને નુકસાન થવાની ભીતિ છે.
