રાષ્ટ્રીય કક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધાનો CMના હસ્તે શુભારંભ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ કચ્છી લેવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલમાં આયોજિત રાષ્ટ્રીયકક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો મશાલ પ્રજ્વલન સાથે ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. મહિલા સ્પર્ધકોને શુભેચ્છા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખીલેલું ઉચ્ચ સ્તરનું સ્પોર્ટ્સ કલ્ચર વડાપ્રધાન નરેન્દ્રમોદીના વિઝનનું પરિણામ છે.
54મી સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધા
શિક્ષણની સાથે વડાપ્રધાને રમતગમતને આપેલા પ્રાધાન્ય થકી આજે દેશભરમાં ખેલો ઇન્ડિયાથી સ્પોર્ટ્સ પ્રતિભાઓ ઝળકી રહી છે. ત્યારે આ 54મી સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશીપ-2025નું આયોજન એનું જ ઉત્તમ ઉદાહરણ છે. 54મી સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધાના પ્રારંભમાં સહભાગી થતાં મુખ્યમંત્રીએ કચ્છી નૂતન વર્ષની શુભકામના પાઠવવા સાથે કચ્છી નવા વર્ષના પાવન પર્વે કચ્છમાં 109 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ, 108 બાળકોને શાળામાં પ્રવેશ કરાવવાના અવસર સાથે હેન્ડબોલ ચેમ્પિયનશીપ શરૂ કરાવવાની સાંપડેલી તક બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
જુદા જુદા રાજ્યોની નારીશક્તિને પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવવાનું પ્લેટફોર્મ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા ખેલે તે ખીલેના મંત્ર સાથે વર્ષ 2010માં શરૂ થયેલા ખેલ મહાકુંભના માધ્યમથી છેક છેવાડાના ગામડાથી લઈને મહાનગરોના ખેલાડીઓના કૌશલ્યને બહાર આવવાની તક મળી છે. આ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ રહેલી તમામ ખેલાડી બહેનોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવતા વધુમાં ઉમેર્યું હતું કે, અંબાજી ધામ ખાતે યોજાયેલી આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા બાદ હવે માં આશાપુરાની ધરતી કચ્છ પર આયોજિત વર્તમાન રાષ્ટ્રીય મહિલા ટુર્નામેન્ટ દેશના જુદા જુદા રાજ્યોની નારીશક્તિને પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવવાનું પ્લેટફોર્મ બની રહેશે.
આ ચેમ્પિયનશીપ થકી "એક ભારત શ્રેષ્ઠ ભારત" સાકાર થશે
30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમના 540 મહિલા ખેલાડીઓને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા દાયિત્વના અગિયાર વર્ષમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં આવેલા બદલાવ થકી આ સમય યુવાનો અને રમતવીરો માટેનો સુવર્ણ સમય રહ્યો છે. દેશમાં એથ્લિટ્સ માટે ઉભી કરાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ, કન્ડીશનિંગ અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રકચરના કારણે દેશની ખેલ પ્રતિભાઓને એક મોટા પ્લેટફોર્મ સાથે સારા એથ્લીટ્સ પ્રાપ્ત થયા છે. જેના પગલે વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓ દેશનું ગૌરવ વધારી રહ્યા છે.
પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન
આ તકે મુખ્યમંત્રીએ તાજેતરમાં દેશને ગૌરવ અપાવનાર ચેસ ચેમ્પિયન ભારતીય યુવા ગૂકેશ, નિરજ ચોપરા તથા દેશની દીકરી દિવ્યા દેશમુખેને યાદ કરીને યુવાનોને રમતમાં રસ દાખવવા અનુરોધ કર્યો હતો. મુખ્યમુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન વર્ષ 2036ના ઓલિમ્પિક્સ ગેમ્સની યજમાની માટે દેશને સજ્જ કરવા કટિબદ્ધ છે. ઓલિમ્પિક્સમાં દેશની ઝોળીમાં વધુ મેડલ આવે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડીયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ 2036ના રન-અપના ભાગરૂપે આગાર્મી વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે.
આજે 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ગુજરાતમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પ્રયાસોના પરિણામે ભારતને મળેલી વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ 2029ના યજમાન બનવાની ગૌરવપૂર્ણ તક બદલ આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ રમતોનું આયોજન એકતાનગર, ગાંધીનગર અને અમદાવાદ ખાતે થવાનું છે. ત્યારે ગુજરાતને સ્પોર્ટ્સ એક્સલન્સમાં અગ્રેસર બનાવવાની દિશામાં આવા આયોજનો દિશાસૂચક બનશે. વડાપ્રધાનના નેતૃત્વમાં બે દશકમાં ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ચિતાર આપતા મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું કે, 2002માં રાજ્યમાં ફક્ત 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, આજે 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. ઓલિમ્પિક ગેમ્સ માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ વિકસાવવામાં આવી રહ્યાં છે.
શ્રેષ્ઠ પ્રદર્શન કરવા મહિલા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી
2036 પહેલાં ગુજરાતમાં સુગ્રથિત સ્પોર્ટસ ઈકોસિસ્ટમ વિકસે તે માટે ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની જણાવી વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલ-કૂદને પ્રોત્સાહક અને પ્રતિભાઓને નિખરવાનું વાતાવરણ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેદસ્વિતામુક્ત ભારતના અભિયાનમાં ખેલાડીઓને યોગદાન આપવાની અપીલ સાથે ખેલદીલીની ભાવના સાથે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા મહિલા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.
