રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી અને આવનારી પેઢીના સ્વાસ્થ્યનું રક્ષણ કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Live TV
-
પાટણ APMC ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.
રાજ્યપાલએ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને રાસાયણિક ખેતીની આડઅસરો અંગે માર્ગદર્શન આપ્યું હતું.રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નહીં, પરંતુ ધરતી, પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને આવનારી પેઢીના રક્ષણનો સંકલ્પ છે. તેમણે ખેડૂતોને તબક્કાવાર પ્રાકૃતિક ખેતી અપનાવી ઝેરમુક્ત અન્નનું ઉત્પાદન કરવા આહ્વાન કર્યું હતું.
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને કુદરતી જીવંતતા પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જમીનને જીવંત રાખવા પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવાની અપીલ કરી હતી.જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં 25 હજારથી વધુ ખેડૂતો 35,500 એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે વધુ 20 હજાર ખેડૂતોને લીડિંગ ફાર્મર તરીકે જોડવાનો લક્ષ્યાંક છે. પાટણ જિલ્લાને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડેલ બનાવવાનો સંકલ્પ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે APMC ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલનું અવલોકન કરી રાજ્યપાલએ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
