લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
Live TV
-
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે આજે ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો પંથકના તળાજામાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડાના 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આ સિવાય ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે મેઘરાજાનું આગમન થયું હતું.તો ગોધરા શહેર સહિત કાલોલ અને હાલોલ પંથકમાં વહેલી સવારે મેઘરાજાની જોરદાર પધરામણી થઈ હતી.જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા.રાજુલા ,માંડરડી, અગરિયા,ધારેશ્વર,વાવેરા, હિંડોળા,છતડીયા અને આજુબાજુના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
જેના કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. આ તરફ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.જિલ્લાના વિજયનગર, ઇડર, વડાલી, હિંમતનગરમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. સારા વરસાદને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.મહિસાગર જિલ્લામાં પણ સવારથી જ ધીમીધારે વરસાદથી વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સંઘ પ્રદેશ દીવમાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઝરમર વરસાદનું આગમન થયું હતું.કચ્છના રાપર સહિત વાગડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો હતો.
રાજકોટમાં પણ બપોરે બાર વાગ્યા સુધીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા અને લીંબડી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘસવારી આવી પહોંચી હતી.વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને જીવતદાન મળ્યું હતું.તો ગઈકાલે રાજકોટના ગોંડલ પંથકમાં દોઢ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.ઉપરાંત અમરેલી, દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત ,અને ડાંગ જિલ્લામાં મેઘરાજામનમુકીને વરસ્યા હતા.
