વડોદરાઃ તરવાની સાથે યોગ કરતા યુવાનો, કેતુલ મહેરિયાએ યુવાનોને બિરદાવ્યાં
Live TV
-
જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કેતુલ મહેરીયાએ આ પ્રયોગને પ્રોત્સાહક, પ્રેરણાપ્રદ અને યોગાભ્યાસ માટે સકારાત્મક વાતાવરણ સર્જવામાં મદદરૂપ ગણાવ્યો હતો.
હસવું અને લોટ ફાંકવો એક સાથે ન થઇ શકે એવી કહેવત છે. જો કે આ કહેવતને ખોટી ઠેરવે એ રીતે શહેરના કેટલાક ઉત્સાહી યોગપ્રેમીઓએ તરતા તરતા યોગ અને આસનો કરવાનો એક નવો અને સાહસિક પ્રયોગ સમા સ્પોર્ટસ કોમ્પલેક્સના તરણ હોજમાં કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત યુવા, ઉત્સાહી અને ખંતીલા જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કેતુલ મહેરીયાએ આ પ્રયોગને પ્રોત્સાહક, પ્રેરણાપ્રદ અને યોગાભ્યાસ માટે સકારાત્મક વાતાવરણ સર્જવામાં મદદરૂપ ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૨૧મી જૂન, ૨૦૧૮ના રોજ શહેર-જિલ્લામાં વ્યાપકસ્તરે વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને લોકોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાય તે માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. બીબાઢાળ નહીં પણ નવતર રીતો અપનાવાય તો લોકોને યોગ સાથે જોડવાનું વધુ ગમે એવા લક્ષ્ય સાથે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
કેતુલ મહેરીયાએ જણાવ્યું હતું કે, આ પ્રોટોકોલમાં ૧૫ જેટલાં આસનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્સાહી, નિપુણ અને કુશળ તરવૈયાઓએ એ પ્રોટોકોલમાં સૂચવેલા અને ઊભા રહીને કરવાના યોગાસનો પૈકી વૃક્ષાસન, તાડાસન અને અર્ધ ચક્રાસન જેવા આસનો તરતા તરતા કરવાનો સાહસિક પ્રયોગ કર્યો હતો. જેમાં તેમને નોંધપાત્ર સફળતા મળી હતી.
