વડોદરામાં જનજીવન પુનઃધબકતુ થયુ, રાહતકાર્યો પૂરજોશમાં
Live TV
-
હજુ એનડીઆરએફની 11 ટીમો શહેરમાં ખડેપગે
વડોદરામાં અવકાશી આફત ત્રાટકી છે..છેલ્લા ત્રણ દિવસથી વડોદરા શહેર પૂરગ્રસ્ત બન્યું હતં. જોકે આજે સવારથી જ સ્થિતિ સુધરી રહી છે.. વરસાદી પાણી ઓસરી રહ્યાં છે. જોકે પૂરમાં ફસાયેલી વડોદરાવાસીઓની વ્હારે તંત્ર આવ્યું હતું. તેમજ યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી થઇ રહી છે. આ ઉપરાંત ઉચ્ચસ્તરીય બેઠકનો દોર પણ શરૂ થયો હતો.મેઘરાજાએ વડોદરાને ધમરોળ્યું છે ત્યારે વડોદરામાં વહિવટી તંત્ર સાબદુ બન્યું છે અને બચાવ કાર્ય યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર અને કાર્યકારી મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે વડોદરામાં ભારે વરસાદને પગલે સર્જાયેલ પરિસ્થિતિ માં વહીવટી તંત્ર તેમજ અન્ય એજન્સીએ કરેલ બચાવ તેમજ રાહત કામગીરી અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તેમજ વડોદરમા ભરાયેલ પાણીને પગલે સર્જાયેલ સ્થિતિ વિશેની માહિતી મેળવી હતી.ફાયર બ્રિગેડ ,એમજીવીસીએલ તેમજ વોર્ડ અધિકારીઓ પાસેથી દિવસભર કરવામાં આવેલ કામગીરીનો સમીક્ષા કરી હતી. ઉપરાંત વડોદરા ખાતે કામગીરી બજાવેલ પૂર્વ જિલ્લા કલકટરશ્રીઓ વિનોદ રાવ, લોચનસિંહ શહેરા સાથે બેઠક કરી હતી અને આગામી દિવસોમાં કરવાની કામગીરીનું આયોજન કર્યું હતું. કામગીરી અંગે મીડિયા સાથે વાતચીત કરી હતી.તેમણે જણાવ્યું હતું કેબચાવ અને રાહત કામગીરીમાં ndrf ની 4,sdrf ની 2 ટીમો,આર્મી ની 2 કોલમ્સ અને srp ની સ્થાનિક ટીમો,વડોદરા ફાયર બ્રિગેડ અને શહેર પોલીસની ખૂબ જ ઉપયોગી મદદ મળી છે.વહિવટીતંત્રના સંકલિત પ્રયાસો થી 4000 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી શકાય છે અને 1202 લોકોને બચાવી લેવાયા છે.શિફ્ટ કરાયેલા લોકોને 22 સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે અને તેમના માટે ભોજન,આરોગ્ય સેવાઓ નો પ્રબંધ કરવામાં આવ્યો છે.અસરગ્રસ્તોને ફૂડ પેકેટ્સ પુરા પાડવાના કામમાં વિવિધ સંસ્થાઓ જોડાઈ છે.ઉપરાંત વીજ અકસ્માતો ટાળવાની તકેદારી રૂપે પાણી ભરાયા હોય એવા વિસ્તારોના 48 વીજ ફીડર્સમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.હવે વોટર લોગીંગ ઘટવાની સાથે mgvcl સાથે સંકલનમાં રહીને 30 ફીડર્સમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. બાકીની 18 ફીડર્સમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવાના કામને અગ્રતા આપવામાં આવી રહી છે. તમામ રસ્તાઓ ખુલ્લા કરવા અને વાહન વ્યવહારને પૂર્વવત કરવા ભરૂચ,પંચમહાલ અને મહીસાગર જિલ્લાના વન વિભાગની 13 ટુકડીઓની મદદ થી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વિશ્વામિત્રીના પાણી ભરાવા થી મગર નીકળવાનું જોખમ વધ્યું છે જેને અનુલક્ષીને હાલમાં 4 ક્રોકોડાયલ રેસ્ક્યુ ટીમો કામ કરી રહી છે અને રાજ્ય સરકારે વધુ ટીમો મોકલવાની વ્યવસ્થા કરી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ndrf ની વધુ 5 ટીમો શહેરને ફાળવવામાં આવી છે.આ ટીમ્સ હવાઈ માર્ગે શહેરમાં આવી ગઈ છે પાણી ઘટવાની સાથે શહેરી વિસ્તારોમાં પમ્પસ ની મદદ થી ડિવોટરિંગ અને સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. .અમદાવાદ , સુરત તઅને પાડોશી જિલ્લાઓ આ કામ માટે મેન એન્ડ મશીનરી પુરી પાડી સહયોગ આપી રહ્યા છે. લોકોને પણ ધીરજ રાખીને કોઇપણ અફવાઓથી સાવધાન રહેવા પણ અપીલ કરવામાં આવી છે જેથી કોઇ મુશ્કેલી સર્જાય નહીં .. વરસાદી પાણી ઓસરતાં હવે વડોદરાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
