વડોદરાવાસીઓએ PM મોદીને આપી અનોખી ભેટ
Live TV
-
વડના વૃક્ષનું બોનસાઈ, ગૌ-ગણેશજીની મૂર્તિ અને મધુબની પેઇન્ટિંગ અર્પણ; પર્યાવરણ, સ્વચ્છતા અને સાંસ્કૃતિક વિરાસતનો અનોખો સંગમ
વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ત્યારે વડોદરાના નાગરિકો, સફાઈદૂતો અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને અનોખી અને યાદગાર ભેટો અર્પણ કરવામાં આવી હતી. આ ભેટોમાં વડોદરાની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા, પર્યાવરણ સંરક્ષણ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતની ઝલક જોવા મળી હતી.
7 હજાર સફાઈદૂતો તરફથી વડનું બોનસાઈ
‘મેરા શહેર, મેરી ઝિમ્મેદારી’ના સંકલ્પ સાથે વડોદરા શહેરની સફાઈમાં સતત કાર્યરત આશરે 7 હજાર સફાઈદૂતો તેમજ ‘ક્લીન અપ વડોદરા’ના વોલન્ટિયર્સ તરફથી વડોદરાના પ્રતીક સમાન વડના વૃક્ષનું બોનસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. આ બોનસાઈ દ્વારા શહેરની સ્વચ્છતા સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. વડોદરાના નાગરિકો અને સફાઈદૂતો માટે આ ભેટ તેમના શહેર પ્રત્યેના પ્રેમ અને સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલી ભાવનાનું પ્રતીક બની હતી.
ગાયના છાણમાંથી તૈયાર કરાયેલી ‘ગૌ-ગણેશજી’ની મૂર્તિ
આ ઉપરાંત ‘વારસાથી ઓળખ અને વારસાથી વિકાસ’ના સંકલ્પ સાથે આવેલા ચાર પ્રતિનિધિઓ તેમજ ઐતિહાસિક વાવ અને જળ સંરક્ષણ માટે કાર્યરત ‘રામદૂત રિસ્ટોર’ના ચાર પ્રતિનિધિઓ દ્વારા વડાપ્રધાનને વિશેષ ‘ગૌ-ગણેશજી’ની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી. આ મૂર્તિ ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવી છે. આ અનોખી ભેટ દ્વારા ગૌવંશ સંવર્ધન સાથે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અને ઇકો-ફ્રેન્ડલી સંસ્કૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
વડની થીમ પર તૈયાર કરાયું મધુબની પેઇન્ટિંગ
વડોદરાની આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ ભેટ આપવામાં આવી હતી. વડોદરાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને રજૂ કરતું વડના ઝાડની થીમ આધારિત સુંદર મધુબની પેઇન્ટિંગ તેમને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગમાં સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા અને કલાત્મક અભિવ્યક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
પર્યાવરણ અને સંસ્કૃતિનો સંદેશ આપતી ભેટો
વડોદરાવાસીઓ દ્વારા આપવામાં આવેલી આ ત્રણેય ભેટો પાછળ અલગ-અલગ સંદેશ રહેલો હતો. વડનું બોનસાઈ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ, ગૌ-ગણેશજીની મૂર્તિ ગૌવંશ સંવર્ધન અને ઇકો-ફ્રેન્ડલી સંસ્કૃતિ, જ્યારે મધુબની પેઇન્ટિંગ સ્થાનિક કલા, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતી હતી. વડોદરાના નાગરિકો અને વિવિધ સંસ્થાઓ તરફથી મળેલી આ અનોખી ભેટોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહર્ષ સ્વીકારી હતી. આ પ્રસંગે સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા અને જનસેવાના ભાવને સન્માન મળ્યું હતું. વડોદરાવાસીઓની આ પહેલે પ્રધાનમંત્રીના સ્વાગતને માત્ર ઔપચારિક કાર્યક્રમ પૂરતું મર્યાદિત ન રાખતા સ્વચ્છતા, પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાના સંદેશ સાથે જોડાયેલું યાદગાર સ્વરૂપ આપ્યું હતું.
