વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત 23 નવેમ્બરે સુરતમાં ફ્યુચર રેડી 5F ટેક્સટાઇલ સેમિનાર યોજાશે
Live TV
-
જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઈબ્રન્ટ ગુજરાતના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં 23 નવેમ્બરના રોજ 'ફ્યુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઇલ વિઝન'ના થીમ પર એક સેમિનારનું આયોજન કરાયું છે. ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટર માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે યોજાનાર આ સેમિનારમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભવો હાજર રહેવાના છે.
એસોચેમ (ASSOCHAM) ગુજરાત કાઉન્સિલના ચેરમેન ચિંતન ઠાકર સ્વાગત પ્રવચન આપશે અને ત્યારબાદ ગુજરાતની ટેક્સટાઇલ અને એપેરલ ઇકોસિસ્ટમ પર એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને ત્રણ સત્રોમાં વિભાજિત કરવામાં આવ્યો છે, પહેલા સત્રમાં 'નીટિંગ ગુજરાત્સ ટેક્સટાઇલ વિઝન ફોર વિકસિત ભારત' (વિકસીત ભારત માટે ગુજરાતના ટેક્સટાઇલ વિઝનની મહત્વની ભૂમિકા), જેનું સંચાલન ઇકોનોમિક લૉ પ્રેક્ટિસના મેનેજિંગ પાર્ટનર અને એસોચેમ નેશનલ ટ્રેડ કાઉન્સિલના અધ્યક્ષ સુહેલ નાથાણી દ્વારા કરવામાં આવશે. બીજું સત્ર 'ફ્રોમ લૂમ્સ ટુ લીડીંગ એજ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર' (લૂમ્સથી માંડીને અગ્રણી ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી) પર યોજાશે જેનું સંચાલન વઝીર એડવાઇઝર્સના સહસ્થાપક અને સંયુક્ત મેનેજિંગ ડાયરેક્ટર પ્રશાંત અગરવાલ કરશે અને ત્રીજું સત્ર 'વીવીંગ ટ્રેડિશન ટેક્નોલોજી' (વણાટ પરંપરાની ટેક્નોલોજી) પર થશે. જેનું સંચાલન ઘેરઝી ટેક્સટાઇલ ઓર્ગેનાઇઝેશનના સિનિયર કન્સલ્ટન્ટ સૂર્યદેબ મુખર્જી કરશે.
