વિધાનસભામાં કામદાર કાનૂન સુધારાના પગલે ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક બહુમતીથી મંજૂર
Live TV
-
સંસદે પસાર કરેલા કામદાર કાનૂન સુધારાના પગલે રાજ્ય વિધાનસભાએ પણ ગઇ મોડી સાંજે ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક બહુમતીથી મંજૂર કર્યું છે. નવા કાયદા મુજબ હવે 300 કે તેથી વધુ કામદારો ધરાવતી પેઢી અથવા કંપનીએ કર્મચારીને છૂટા કરતા પહેલા સરકારની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. અગાઉ આ કાયદા હેઠળ 100 કે તેથી વધુ કામદારો-કર્મચારીઓ ધરાવતી પેઢી અથવા કંપનીએ આવી પૂર્વ મંજૂરી લેવી પડતી હતી.
રાજ્ય વિધાનસભામાં વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, નવા કાયદા મુજબ કર્મચારીએ જો 10 વર્ષ કે તેથી વધુ સમય માટે કામ કર્યું હશે તો વાર્ષિક 15 દિવસના સરેરાશ પગાર ઉપરાંત છેલ્લા ત્રણ મહિનાના પગાર જેટલી રકમ પણ તેને છૂટા કરતી વખતે આપવી પડશે.
મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, આ સુધારો થવાથી ઘણાહકારાત્મક પરિણામો મળશે. જેમાં આર્થિક ગતિવિધિને વેગ મળશે,રોજગારીની તકો વધારવા સરકારને યોગ્ય લાગે તેવા નવા સ્થપાતા કારખાનાઓને કારખાના ધારા, ૧૯૪૮માં સરકારશ્રીના જાહેરનામાથી ઠરાવે તેવી વિવિધ જોગવાઇના પાલનમાંથી ૧૦૦૦ દિવસ સુધી મુક્તિ આપી શકશે. ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થાપવા માટે બહારના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળશે.
