વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે રાજ્યના વિવિધ જિલ્લામાં 1 થી 3 માર્ચના રોજ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
Live TV
-
પહેલી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવામાં આવી છે
અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 20.2 અને ગાંધીનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે આગામી 24 કલાકમાં અમદાવાદમાં 21 અને ગાંધીનગરમાં 20 ડિગ્રી તાપમાન થવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યુ છે.
થોડા દિવસોથી ગુજરાતના વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે પોતાની આગાહીમાં દરિયાકાંઠે 45થી 55 પ્રતિકલાક સ્પીડ રહેશે તેવી આગાહી કરી છે. જેના કારણે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે આજની આગાહીમાં આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, આગામી ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. જે બાદ ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદની સંભાવના છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે એકથી ત્રણ માર્ચના રોજ હળવા વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે. ચોથા દિવસે એટલે પહેલી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે તેમ પણ જણાવ્યુ છે.
રામાશ્રય યાદવે પાંચમા દિવસ અંગેની આગાહી કરતા જણાવ્યું કે, પાંચમા દિવસે નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે.
હવામાન વિભાગે હાલ લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો બદલાવ આવશે નહીં તેમ પણ જણાવ્યુ છે. રામાશ્રય યાદવે આજ માટે માછીમારોને ચેતવણી આપી હોવાનું જણાવ્યુ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, દરિયાકાંઠે પવનની ગતી 45થી 55 પ્રતિકલાક રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે જે ઉત્તર ભારતને આવરી લેશે. જેના કારણે પહેલી અને બીજી માર્ચના રોજ વરસાદ પડશે.
