Skip to main content
Settings Settings for Dark

શેરડીના પાકને વેધકોથી મુક્ત કરવા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા જાહેર

Live TV

X
  • નવસારી કૃષિ યુનિવર્સિટીએ શેરડીના પાકને વિવિધ વેધકોથી બચાવવા માટે સંકલિત વ્યવસ્થાપન માર્ગદર્શિકા જાહેર કરી છે, જે અંતર્ગત ખેડૂતોને જીવાતમુક્ત બિયારણ અને પ્રકાશપિંજરનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે. જૈવિક નિયંત્રણ માટે 'ટ્રાયકોગામા' પરજીવીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે વેધકોના ઈંડાનો નાશ કરીને પાકને કુદરતી રીતે સુરક્ષિત રાખે છે. જરૂર જણાયે ફિપ્રોનીલ કે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ જેવી રાસાયણિક દવાઓનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા ખર્ચે શેરડીનું વધુ ઉત્પાદન મેળવી શકે છે.

    શેરડીના પાકમાં વેધકો જેવા કે ડૂંખ, ટોચ, મૂળ અને આંતરગાંઠ વેધકના કારણે ખૂબ નુકસાન થતું હોય છે. જેને અટકાવવા નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પગલાં અપનાવીને ખેડૂતો પાકને સુરક્ષિત કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે.

    નવસારી કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવ્યા મુજબ, વેધકોના નિયંત્રણ માટે યોગ્ય પગલાં અપનાવવા જરૂરી છે; જેમ કે શેરડીના ખેતરમાં વધારાના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી, જેથી જીવાતોના વિકાસને અટકાવી શકાય. શેરડીનો એકથી વધુ વાર પેઢી (બડઘા) પાક લેવો નહીં. જીવાતમુક્ત અને ગુણવત્તાયુક્ત બિયારણની જ પસંદગી કરવી. ખેતરમાં પ્રકાશપિંજર અને ફેરોમોન ટ્રેપ મૂકીને જીવાતોની મોજણી કરવી, જેથી વહેલી તકે ઉપદ્રવને ઓળખી શકાય. શેરડીના ટોચ વેધક, ડૂંખ, સાંઠા અને આંતરગાંઠ વેધકના ઈંડાના સમૂહો એકઠા કરી નાશ કરવો અથવા વાંસમાંથી બનાવેલા બૂસ્ટર મૂકીને ઈંડાના પરજીવીઓને બચાવી શકાય. આ ઉપરાંત, ઉપદ્રવવાળા છોડનો ઇયળ સહિત નાશ કરવો.

    વધુમાં, નવસારી કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં વેધકોના ઈંડાના પરજીવી 'ટ્રાયકોગામા'નો વ્યાપારી ધોરણે ઉછેર કરવામાં આવે છે. આ ટ્રાઈકોકાર્ડમાંથી નીકળતી માદા ભમરી વેધકોના ઈંડામાં પોતાનું ઈંડું મૂકી વેધકોના ઈંડાનો નાશ કરે છે. એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી, દરેક ભાગને 15 × 15 મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાયકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલ કરવા. હેક્ટર દીઠ 2 થી 3 ટ્રાયકોકાર્ડની જરૂરિયાત રહેશે. દર 15 દિવસના અંતરે ટ્રાયકોકાર્ડ છોડતા રહેવું. ટ્રાયકોકાર્ડને હવાની અવરજવર થઈ શકે તેવી વાંસની ટોપલી અથવા અન્ય સાધનમાં વહન કરવું. ટ્રાયકોકાર્ડ પર દર્શાવેલ તારીખ સુધીમાં કે તે પહેલાં તેનો ઉપયોગ કરી પરજીવીઓ છોડી દેવા. ટ્રાયકોકાર્ડને સવાર અથવા સાંજના સમયે ખેતરમાં છોડવા. ટ્રાયકોકાર્ડને સીધો સૂર્યપ્રકાશ ન લાગે તે રીતે અને ઈંડા જમીન તરફ રહે તેમ પાન પર સ્ટેપલ કરવા. ટ્રાયકોગામા છોડવાના અઠવાડિયા પહેલાં અને છોડ્યાના અઠવાડિયા બાદ ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો.

    આ ઉપરાંત, જો રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની જરૂરિયાત જણાય તો, ફિપ્રોનીલ 0.30 ટકા જીઆર 30 કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 0.40 ટકા જીઆર 18.75 કિ.ગ્રા. ના પ્રમાણમાં રોપણી બાદ એક મહિને અને ત્યારબાદ પાળા ચઢાવતી વખતે જમીનમાં આપવી. દવાના વપરાશ વખતે પેકિંગ પર આપવામાં આવેલા લેબલ મુજબ અને જે તે પાકની ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવી જોઈએ.

    આ પગલાં અપનાવીને ખેડૂતો વેધકોના ઉપદ્રવને ઘટાડી શકે છે. વધુ માહિતી માટે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા નવસારી કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply