શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, 68 હજારથી વધુ લોકોએ કર્યા દર્શન
Live TV
-
શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, 68 હજારથી વધુ લોકોએ કર્યા દર્શન
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખૂલતાંની સાથે જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ ઉલ્લાસપૂર્ણ માહોલમાં સોમનાથ દાદાના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે યાત્રિકોને ગણતરીની મિનિટોમાં દર્શનનો લાભ મળ્યો હતો. ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગો માટે ઈલેક્ટ્રિક કાર્ટ, વ્હીલચેર અને લિફ્ટ જેવી દિવ્યાંગ-ફ્રેન્ડલી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી.
પાલખીયાત્રા અને વિશેષ પૂજાઓ
સવારે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા ટ્રસ્ટ પરિવાર સાથે પાલખીની પૂજા કરવામાં આવી હતી અને પાલખીયાત્રાનો પ્રારંભ કરાયો હતો. તીર્થની પરંપરા અનુસાર, સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે પાલખીને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
શ્રાવણના સોમવાર નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ વિવિધ પૂજાઓ નોંધાવી હતી. જેમાં 67 ધ્વજા પૂજા, 64 સોમેશ્વર પૂજા, 947 રુદ્રીપાઠ, બિલ્વ પૂજા અને શૃંગાર પૂજા સહિતની પૂજાઓનો સમાવેશ થાય છે.
ભોજન અને વિશેષ શણગાર
યાત્રિકો માટે મંદિર બહાર ફરાળ અને ભંડારાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, શ્રી સોમનાથ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં પણ વધારાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેનાથી હજારો ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
સાંજે, સોમનાથ મહાદેવને વિશેષ રૂદ્રાક્ષ દર્શન શૃંગાર અર્પણ કરાયો હતો, જેમાં સમગ્ર જ્યોતિર્લિંગને રૂદ્રાક્ષથી શણગારવામાં આવ્યું હતું. આ સાથે, ભગવાનને અન્નકૂટ મનોરથ પણ અર્પણ કરાયો હતો. સાંજે 7 વાગ્યા સુધીમાં 68,000 થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના સુચારુ દર્શન કર્યા હતા, જે ટ્રસ્ટની ઉત્કૃષ્ટ વ્યવસ્થાનો પુરાવો છે.
