સતત બીજા દિવસે રાજ્યમાં મેઘમહેર, ખેડૂતોમાં આનંદની લાગણી
Live TV
-
અમદાવાદમાં બીજા દિવસે પણ બપોર બાદ જોવા મળી મેઘ મહેર.
અમદાવાદ શહેરમાં બીજા દિવસે પણ મેઘમહેર જોવા મળી હતી. બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવતા જોતજોતમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. શહરેના ચાંદખેડા, ગોતા, મોટેરા, રાણીપ અને સરખેજ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ધનસુરા, મોડાસા, મેઘરજ અને બાયડમાં વિજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભાવનગર શહેરમાં ભારે બફારા વચ્ચે , ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. 15 મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા.
જિલ્લામાં સિઝનનો 14 ટકા જેટલો વરસાદ વરસી જતાં ખેડુતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ સાથે પાટણના રાધનપુરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી.
તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર વરસાદ થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
