સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત્, રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
Live TV
-
સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત્, રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. ગઇકાલે રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. સુરેન્દ્રનગરમાં તાપમાન 45 ડિગ્રીને પાર થયું હતું જ્યારે રાજકોટમાં 44 અને અમદાવાદમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. બીજા 5 શહેરોમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ હીટ વેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા સુરત ભાવનગર વેરાવળ પોરબંદર રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. ડીહાઈડ્રેશનના કેસોમાં વધારો થતા કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે ગરમીના સમયે વધુમાં વધુ પ્રમાણમાં પાણી છાશ અને પ્રવાહીનું સેવન કરવું હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું. જ્યારે નાના બાળકો વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓએ ઘરેથી નીકળવાનું ટાળવું.
ઉત્તર-પશ્ચિમ તરફથી સતત વાતા ગરમ પવનના કારણે ગરમીનો પારો સતત ઊંચે જઇ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં તાપમાન 45 ડિગ્રી પહોંચતાં અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે. 45 ડિગ્રી તાપમાનના કારણે જિલ્લામાં 2 દિવસથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રસ્ત છે. રોડ પણ સુમસામ જોવા મળી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યનાં 15 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર થતાં લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, લોકો ગરમીના કારણે ત્રસ્ત
ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર કરી ગયો છે. લોકો ગરમીના કારણે ત્રસ્ત છે. જો કે હાલ દમણમાં અન્ય શહેરોની સરખામણીમાં તાપમાન નીચું એટલે 35 ડિગ્રી આસપાસ રહે છે. તેને લીધે સહેલાણીઓ દમણ તરફ વળ્યાં છે. બીચ પર ઠંડક હોવાને લીધે લોકો તીવ્ર ગરમીથી થોડી રાહત અનુભવી રહ્યાં છે. ઉનાળાના વેકેશનમાં લોકો દમણમાં પેરાગ્લાઇડિંગ વોટર સ્પોર્ટસ જેવી જુદી જુદી રાઈડસની મજા માણી રહ્યાં છે. હાલ દમણમાં જંપોરસ બીચ દેવકા સહિત અન્ય બીચ પર પણ પ્રર્યટકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કુદરતી ઠંડક અનુભવતા આ દમણ બીચ હાલ પ્રર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.
