સરહદના રક્ષકો માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ નિર્ણય
Live TV
-
દેશની સુરક્ષા માટે સરહદો પર દિવસ-રાત ખડેપગે ફરજ બજાવતા વીર જવાનો અને તેમના પરિવારોને આર્થિક રાહત આપવા માટે ગુજરાત સરકારે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’માં મહત્વનો સુધારો કર્યો છે.
આ નવા સુધારા અનુસાર, હવે રાજ્યની ગ્રામ પંચાયત હદમાં પોતાના રહેણાંક મકાન ધરાવતા વર્તમાન સંરક્ષણ જવાનો, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ જવાનોની વિધવાઓને ‘પંચાયત કર’ (મિલકત વેરા) માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ લાભ સંબંધિત લાભાર્થીની માલિકીના માત્ર એક રહેણાંક મકાન પૂરતો જ મર્યાદિત રહેશે.
રાષ્ટ્રસેવા અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા
પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ પગલું સૈનિક કલ્યાણની દિશામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોના પરિવારો અને સરહદના રક્ષકો પરથી કરનો બોજ હળવો કરીને રાજ્ય સરકારે “દેશની રક્ષા કરનારના પરિવારની જવાબદારી પણ અમારી છે” તેવી ભાવનાને સાકાર કરી છે.
ગૅઝેટમાં પ્રકાશન સાથે અમલ
ડિસેમ્બર ૨૦૨૫માં સરકાર દ્વારા આ અંગેના ડ્રાફ્ટ નિયમો જાહેર કરી નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ સૂચનો પર સઘન વિચારણા કરીને ગુજરાત પંચાયતો અધિનિયમ, ૧૯૯૩ હેઠળ ‘Gujarat Gram and Nagar Panchayats Taxes and Fees (Amendment) Rules, 2026’ સત્તાવાર ગૅઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે, જે હવે અમલમાં આવી ગયા છે. સરહદના રક્ષકોના સન્માનમાં લેવાયેલો આ નિર્ણય સમગ્ર રાજ્યમાં પ્રશંસનીય પગલું બની રહ્યો છે.
