સહકાર વિભાગની રૂ.1515.78 કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર
Live TV
-
વિધાનસભા ગૃહ ખાતે સહકાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતનું સહકાર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી દ્વારા તાજેતરમાં જ ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણી વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ અમૂલ ડેરી, સાબર ડેરી, સરહદ ડેરી, દૂધધારા ડેરી તથા રાજકોટ ડેરીના વિવિધ પ્લાન્ટના રૂ.958 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના 5 દૂધ સંઘો દ્વારા રાજ્ય બહાર વિવિધ સ્થળોએ કુલ 18 પ્લાન્ટ સ્થપાયા. રાજ્યમાં 87,000થી વધુ સહકારી સંસ્થાઓ સાથે 1.71 કરોડ જેટલા સભાસદો જોડાયા. ગત એક વર્ષમાં સહકારી મંડળીઓના 57,574થી વધુ સભાસદોને તાલીમ અપાઈ. ખેડૂતોની સહકારી મંડળી-પેક્સને અદ્યતન તથા સુદ્રઢ કરવા પ્રથમ તબક્કામાં 5000 વધુ પેક્સની પસંદગી
મંત્રી વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું હતું કે,ભારતનું ભવિષ્ય ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ ચાર વર્ગના કલ્યાણથી વિકસિત થવાનું છે. એટલા। માટે જ, રાજ્ય સરકાર દ્વારા 2024-25ના બજેટમાં 'GYAN': G-ગરીબ, Y-યુવા, A-અન્નદાતા (કિસાન), N-નારી શક્તિનું સૂત્ર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસ દૂધ સંઘ દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી, કાનપુર, લખનઉ અને ફરીદાબાદ, સાબરકાંઠા દૂધ સંઘ દ્વારા હરિયાણાના રોહતક, તેલંગાણાના હૈદરાબાદ તેમજ રાજસ્થાનના જયપુરમાં જ્યારે સુરત દૂધ સંઘ દ્વારા મહારાષ્ટ્રના કોલ્હાપુર અને ગોવા ખાતે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે તેમ,મંત્રી શ્રી વિશ્વકર્માએ ગૃહમાં ઉમેર્યું હતું.
રાજ્યના ખેડૂતોને ટૂંકી મુદતનું રૂ.3 લાખ સુધીનું ધિરાણ 0 ટકા એ આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2022-23 માં રૂ.1611 કરોડની વ્યાજ રાહત ચુકવાયેલ છે. અને વર્ષ 2024-25 ના વર્ષમાં સદર યોજનામાં બજેટમાં રૂા.1140 કરોડની જોગવાઈ સૂચવેલ છે. તેમ મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. રાજયમાં જિલ્લા/તાલુકા ખરીદ વેચાણ સંઘો આર્થિક રીતે વધુ મજબુત બને અને તેના થકી ખેડૂતોને વધુ આર્થિક લાભ થાય અને વધુ સારી ઉત્તમ સેવાઓ મળી શકે તે માટે આ સંઘોને તેમના વિવિધ પ્રોજેક્ટ માટે 50 ટકા કેપીટલ સહાયની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. તેમણે કહ્યું હતું કે,રાજ્યમાં ખેડૂતો તથા ખેડુતો માટેની સહકારી મંડળીઓને અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરવા ગોડાઉન બાંધવા માટેની 25% કેપીટલ સબસીડીની સહાયની યોજના અમલમાં મુકવામાં આવી છે.
