સાયક્લોનિક એર સર્ક્યુલેશન સક્રિય : રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
Live TV
-
રાજ્યમાં સાયક્લોનિક એર સર્ક્યુલેશન સક્રિય થતા આગામી પાંચ દિવસ દરમ્યાન ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં સાયક્લોનિક એર સર્ક્યુલેશન સક્રિય થતા આગામી પાંચ દિવસ દરમ્યાન ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી , સુરત અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે...અને માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. તેમ હવામાન વિભાગનાં નિયામક જયંતા સરકારે જણાવ્યું હતું. દરમ્યાન સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારો અને કેટલાક છુટાછવાયા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે..
છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લાના 149 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લાના સુબીરમાં 94 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના મુખ્યમથક આહવામાં 45 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરના કાલાવડમાં 73 મીમી., ધ્રોલમાં 48 મીમી., પંચમહાલના હાલોલમાં 48 મીમી., ગીરસોમનાથના વેરાવળમાં 57 મીમી., જૂનાગઢના મેંદરડામાં 47 મીમી., તેમજ અરવલ્લીના મોડાસામાં 46 મીમી સહિત અમરેલીના વડીયામાં 45 મીમી વરસાદ નોંધાયો છે.
