સીએમના હસ્તે રાજ્યના વિવિધ બસ સ્ટેન્ડનું ઇ લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈના વરદ હસ્તે આજરોજ ભાવનગર થી રાજ્યના વિવિધ બસ સ્ટેન્ડના ઈ લોકાર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈના વરદ હસ્તે આજરોજ ભાવનગર થી રાજ્યના વિવિધ બસ સ્ટેન્ડના ઈ લોકાર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાવનગર ખાતે રૂ.10.65 કરોડના ખર્ચે બનનાર અત્યાધુનિક બસ સ્ટેશનનુ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ખાતમુહુર્ત કર્યુ હતુ. આ નવીનત્તમ મધ્યસ્થ બસ સ્ટેશન કુલ 27,404 ચો.મી. જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલું હશે. જેના પર 2475.85 ચોમી વિસ્તારમાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળું બસ સ્ટેશનનું બિલ્ડિંગ ઊભું થશે. રાજ્યમાં તેમજ આંતરરાજ્ય પરિવહન માટે અહીં વિવિધ 18 જેટલાં પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવશે. આ ખાતમુહુર્ત પ્રસંગે વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે, ભાવનગર સંસદસભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા
તેમાં ધ્રાંગધ્રામાં બસ સ્ટેન્ડનો પણ સમાવેશ થાય છે. આજરોજ ધ્રાંગધ્રા હળવદમાં ધારાસભ્ય શ્રી પરસોતમ સાબરીયાની ઉપસ્થિતીમાં બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યું હતું. આ બસ સ્ટેન્ડ બનાવવા માટે નો ખર્ચ 3 કરોડ 32 લાખ જેટલો કરવામાં આવ્યો છે. આ બસસ્ટેન્ડ તમામ સુખ-સુવિધાઓ સાથે સજ્જ છે. 300 જેટલી અલગ અલગ વિભાગની બસ આ સ્ટેન્ડ ની અંદર આવે છે. જેમાં લોકલ બસ,એક્સપ્રેસ બસ, ગુર્જરનગરી, વોલ્વો તેમજ એ.સી. બસ નો સમાવેશ થાય છે. જેનાથી આ વિસ્તારમાં પરિવહન વ્યવસ્થા સુગમ બનશે.
મહેસાણા શહેર ખાતે રૂ.327 લાખના ખર્ચે નિર્માણ પામેલ નવીન બસ સ્ટેન્ડનું ઇ લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમથી કર્યું હતું. તેમણે ઇ-લોકાર્પણ પ્રસંગે મહેસાણા જિલ્લાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. આ નવીન એસ.ટી બસ સ્ટેન્ડનું 1 હજાર 722 ચોરસ મીટરનું બાંધકામ થયેલ છે. 9 પ્લેટફોર્મ સાથે મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટીંગ હોલ ઉપરાંત વોટર રૂમ, શૌચાલય સહિત સ્ટોલ કમ શોપની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. દિવ્યાંગો માટે સ્પ્રે પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમ્પની સુવિધા રખાઇ છે. આ પ્રસંગે સાંસદશ્રી શારદાબેન પટેલે જણાવ્યુ હતું કે જાહેર સંપત્તિએ આપણા સૌની સંપત્તિએ જેની જાળવણી કરવીએ આપણી પ્રાથમિકતા હોવી જોઇએ.
પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુર ખાતે નવીન તૈયાર થયેલા તમામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ બસ સ્ટેન્ડ પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેનું મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા ભાવનગર ખાતેથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબેન બારીયા અને નગર પાલિકાના પ્રમુખ સ્નેહાબેન શાહ દ્વારા 1.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ સ્ટેન્ડની રીબીન કાપવામાં આવી હતી અને બસોની અવરજવર ચાલુ કરાવવામાં આવી હતી, જ્યારે કાલોલ તાલુકાના વેજલપુર ગામે 1.66 કરોડના ખર્ચે તૈયાર થયેલું બસ સ્ટેન્ડનું પણ ઇ-લોકાર્પણ કર્યા બાદ તેને ખુલ્લું મૂકવામાં આવ્યું. રાજ્યમાં પરિવહનની સુવિધાનો વિકાસ થાય, મુસાફરી કરતા મુસાફરોને સારી કક્ષાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર પણ તે દિશામાં પગલાં ભરી રહે છે તેને લઈ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
