સુપ્રીમ કોર્ટે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઝડપાયેલા આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર કર્યા
Live TV
-
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખ પટેલના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર થયા છે. ત્યારે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે જામીન માટેની શરતો નક્કી કરવાની હતી જેના માટે આજે મોરબીની કોર્ટ દ્વારા જયસુખ પટેલને મોરબી જિલ્લામાં રહેવું નહીં તેમજ દેશ છોડીને કોર્ટની પરવાનગી વગર જવું નહીં તે સહિત કુલ સાત શરતોના આધારે જામીન મુક્ત કરેલ છે. મોરબી જેલમાંથી 400 દિવસ પછી તેઓ જામીનમુક્ત થયા. આ કેસમાં કુલ 10 આરોપી ઝડપાયા હતા. હાઇકોર્ટે તે પૈકી મોટાભાગના આરોપીઓના જામીન મંજુર કર્યા હતા.
મોરબીમાં તા. 30/10/2022ના રોજ ઝુલતા પુલ દુર્ઘટના સર્જાઈ હતી. તેમાં કુલ મળીને 135 લોકોના મોત થયા હતા. જે કેસમાં કુલ 10 આરોપી પકડાયા હતા. જેમાંના જયસુખ પટેલના હાઇકોર્ટમાંથી અગાઉ જામીન ના મંજૂર કરવામાં આવ્યા હતા. જેથી કરીને તેઓ વકીલ મારફતે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે ગયા હતા અને ત્યાં તેઓના જામીન મંજૂર કરવામાં આવેલ છે. જોકે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને શરતો નક્કી કરવા માટે થઈને આદેશ કર્યો હતો. જેથી કરીને આજે મોરબીના લાલબાગમાં આવે ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તથા જયસુખ પટેલના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. બાદ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સાત શરતોના આધારે જયસુખ પટેલના જામીન મુક્ત કરવા ઓર્ડર કરેલ છે.
