સુરતમાં રાજ્યપાલે 'પ્રાકૃતિક જીવન..શ્રેષ્ઠ જીવન' વિષય પર સંવાદ કર્યો
Live TV
-
સુરતના સરસાણા ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા 'પ્રાકૃતિક જીવન..શ્રેષ્ઠ જીવન' થીમ પર આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો.
રાજ્યપાલે જણાવ્યું કે, દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાના દાયિત્વ સાથે ઉદ્યોગકારો આગળ આવે તે સમયની માંગ છે. તેમણે આ અભિયાનમાં ઉદ્યોગકારોને જોડાઈ જવા આહ્વાન કરતાં કહ્યું કે, ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે, ત્યારે ઉદ્યોગો અને પ્રાકૃતિક જીવનનું સંતુલન સાધવા અને આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવન જીવવુ જરૂરી છે.
રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ્ સમજ આપતાં રાજ્યપાલે કહ્યું કે, આગામી સમયમાં સારા અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી, ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે ગૌ આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે.
ગુજરાતના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે આવેલી જાગૃતિની વિગતો આપતાં રાજ્યપાલે કહ્યું કે, ગુજરાતના 9 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજ્યપાલશ્રીએ જાતે પોતાના ફાર્મ- ગુરુકુલ-કુરુક્ષેત્ર, હરિયાણામાં રાસાયણિક ખેતી કરી રહ્યા હોવાનું જણાવી સ્વાનુભવો વર્ણવતા કહ્યું કે, એક વખત એમના ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહેલો વ્યક્તિ દવા છાંટતાં બેભાન થઈ ગયો. તે દિવસથી તેમણે રાસાયણિક દવાઓ-ખાતરની ઝેરી અસરની ગંભીરતા સમજીને રાસાયણિક કૃષિને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. તેઓ છેલ્લા 9 વર્ષથી કુરુક્ષેત્ર ફાર્મમાં પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. એટલું જ નહીં મબલખ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે, અને એટલે જ પોતે અન્ય તમામ લોકો પણ કલ્યાણકારી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે પરિશ્રમ કરી રહ્યા છે.
સરસાણા કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા સંવાદ સમારોહમાં રાજ્યપાલે વધુમાં કહ્યું કે, જંગલમાં ઉછરતા ઝાડ-પાન, ફળ-ફૂલને કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી. કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મુકી છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જો આ વન સંપદા ઉછરી શકતી હોય તો આપણા ખેતરમાં આ કેમ થઈ ના શકે ? આ પ્રકારે જંગલના પ્રાકૃતિક નિયમો આપણી કૃષિ પદ્ધતિમાં પણ લાગુ પડે છે. અને જંગલની માફક આપણા ખેતરમાં કારગર નીવડે એનું નામ પ્રાકૃતિક ખેતી છે. તેમણે ફેમિલી ડોક્ટરની માફક ફેમિલી ફાર્મર અપનાવવા, જંક ફૂડનો ત્યાગ કરી ફાયબરયુક્ત અને અંકુરિત પ્રકારના આહારનો ઉપયોગ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.
