સુરત : મહુવા તાલુકાના ઉમરા ગામે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
Live TV
-
કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામ ખાતે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણકક્ષા અને ટ્રાઇબલ તાલુકામાં સરકારની યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ અવસરે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિ દિવસે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે. દેશના તમામ લોકો સરકારની જનકલ્યાણકારી કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશિલ રહી છે. સરકારની યોજનાઓ આપણા માટે જ છે જેનો દરેક લોકોએ લાભ લેવો જોઇએ.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે,આદિવાસી વિસ્તારના વિકાસ માટે સૌપ્રથમ વનબંધુ યોજના નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. ગ્રામ્ય વિસ્તારના પ્રારંભિક તબક્કામાં આદિમ જૂથના વિકાસ માટે અનેક યોજના અમલી બનાવી છે. પ્રધાનમંત્રીએ ઝીરો બેલેન્સમાં જનધન યોજના થકી નાના લોકોના બેંકમાં ખાતા ખોલી આપવાનો નિર્ણય લઇ દેશભરમાં 50 કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે, જેના થકી બે લાખ કરોડ રૂપિયાની ડીપોઝીટ જમા થઈ. જે ભારતના વિકાસને ટેકો આપવા માટેનું મોટું યોગદાન આપી રહી છે. ભારતનું અર્થતંત્ર પાંચમાં નંબરથી ચોથા નબંર પર આવ્યું છે.
