સુરેન્દ્રનગર ખાતે તળપદા કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો: 400થી વધુ પ્રતિભાઓનું બહુમાન
Live TV
-
સુરેન્દ્રનગર ખાતે તળપદા કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો: 400થી વધુ પ્રતિભાઓનું બહુમાન
સુરેન્દ્રનગરના દીનદયાળ હોલ ખાતે તળપદા કોળી સમાજ દ્વારા આયોજિત ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કુલ 400થી વધુ વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ:
સન્માન સમારોહમાં કોળી સમાજના અગ્રણી અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, કોઠારિયા રામ રણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ, પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ અને શંકર વેગડ સહિત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર શહેર અને આસપાસના વિસ્તારમાંથી તળપદા કોળી સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સન્માન અને પ્રોત્સાહન:
કાર્યક્રમ દરમિયાન ધોરણોમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ, પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સમાજનું ગૌરવ વધારનાર ક્લાસ વન અને ક્લાસ ટુના અધિકારીઓ તથા કર્મચારીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
મંત્રી કુંવરજી બાવળિયાએ વ્યક્ત કરી આશા:
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આ પ્રસંગે સમાજની વિવિધ સંસ્થાઓને એક મંચ પર આવવા અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટેની રણનીતિ ઘડી કાઢવા આશા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,
"સમાજે એક બનીને પોતાના હક અને અધિકારો માટે જાગૃત થવું પડશે. સમાજ માટે નવી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી થાય, સમાજના દીકરા-દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને વહીવટી ક્ષેત્રમાં પણ યુવાનો આગળ વધે તેવી મારી શુભકામનાઓ છે."
શિક્ષણ, સેવા, સંગઠન અને વ્યસનમુક્તિ પર ભાર:
આ સન્માન કાર્યક્રમ થકી સમાજને શિક્ષણ, સેવા અને સંગઠનનો મંત્ર આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો અને આગેવાનો દ્વારા ખાસ કરીને વર્તમાન સમયની જરૂરિયાત મુજબ વ્યસનમુક્તિ માટે અપીલ કરવામાં આવી હતી, જેને સમાજ તેમજ સમગ્ર દેશ માટે આવશ્યક ગણાવવામાં આવી હતી. સાથે જ, યુવાનોને શિક્ષણનું મહત્ત્વ સમજીને આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
