Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર: તરણેતરના મેળાની ગ્રામીણ ઓલિમ્પિક્સમાં 30 મિનિટમાં 28 લાડુ આરોગીને વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા પ્રથમ વિજેતા

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી 'લાડુ સ્પર્ધા' લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રસપ્રદ સ્પર્ધાનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (ગાંધીનગર), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર (લીંબડી) અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી સ્પર્ધાને જોવા માટે મેળામાં હાજર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

    આ સ્પર્ધામાં 25થી 75 વર્ષની વયજૂથ ધરાવતા 28 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિયમ અનુસાર તમામ સ્પર્ધકોએ 30 મિનિટના નિશ્ચિત સમયમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાના હતા. સ્પર્ધાની શરૂઆત થતાં જ તમામ સ્પર્ધકોએ ઝડપથી લાડુ ખાવાનું શરૂ કર્યું હતું. પહેલી 15 મિનિટમાં જ મોટાભાગના સ્પર્ધકો સરેરાશ 15 જેટલા લાડુ આરોગીને વારાફરતી સ્પર્ધામાંથી બહાર થવા લાગ્યા હતા. પરંતુ અંતિમ તબક્કામાં પ્રથમ સ્થાને આવવા માટે પાંચ સ્પર્ધકો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. સ્પર્ધકો જ્યારે 22, 24 અને 26 લાડુ સુધી પહોંચ્યા, ત્યારે ઉપસ્થિત દર્શકોએ પણ તાળીઓ અને ચિચિયારીઓ સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

    સ્પર્ધાની આખરી મિનિટમાં તો વાતાવરણ ખૂબ જ ઉત્સુકતાપૂર્ણ બની ગયું હતું. આખરે ગત વર્ષે પણ વિજેતા થયેલા વિંછીયા તાલુકાના ઓરી ગામના વતની બળવંતભાઈ રાઘવાણીએ નિર્ધારિત 30 મિનિટ પૂરી થતાં સુધીમાં 28 લાડુ ઝાપટીને પ્રથમ ક્રમ મેળવી લીધો હતો. આ સ્પર્ધાના નિયમ મુજબ માત્ર એક જ વિજેતા પસંદ કરવાનો હોવાથી, બળવંતભાઈને રૂ. 2000નો રોકડ પુરસ્કાર આપીને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે હાજર રહેલા જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, લોકોના આટલા મોટા ઉત્સાહ અને પ્રતિસાદના કારણે જ સ્પર્ધકોને ભાગ લેવાનો સાચો આનંદ મળ્યો છે. તરણેતરનો આ મેળો આપણી સાંસ્કૃતિક વિરાસતને સાચવવાની સાથે લોકોમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારાની ભાવના પૂરી પાડે છે. તl

    આ કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની, પ્રાંત અધિકારી કે. એન. કાચા, જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા સ્પર્ધકને પ્રોત્સાહિત કરીને પુરસ્કાર એનાયત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
apply