સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર, 150 કરોડનાં ખર્ચે બનેલી હોસ્પિટલનું લોકાર્પણ
Live TV
-
કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં હસ્તે કરાયું લોકાર્પણ
સૌરાષ્ટ્રવાસીઓ માટે આરોગ્યને લઇને સારા સમાચાર છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 150 કરોડનાં ખર્ચે સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનાં બ્લોક તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રની સૌથી આધુનિક હોસ્પિટલ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ તૈયાર થતાં હવે સૌરાષ્ટ્રના દર્દીઓને અમુક સારવાર માટે અમદાવાદ કે ખાનગી હોસ્પિટલમાં નહીં જવું પડે. હોસ્પિટલમાં યુરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિઓલોજી, ન્યુરોલોજી, પીડિયાટ્રિક સર્જરી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં અદ્યતન સારવાર આપવામાં આવશે. 6 માળની હોસ્પિટલમાં 238 બેડની સુવિધા છે. 8 વર્લ્ડ ક્લાસ મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. આધુનિક કેથલેબ, 19 બેડનું આધુનિક ડાયાલીસીસ સેન્ટર અને 40 બેડની આધુનિક સર્જીકલ આઇ.સી.યુ. જે સતત કાર્યરત રહેશે.
