સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, કાલાવાડમાં વરસ્યો 15 ઈંચ વરસાદ
Live TV
-
છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદથી જામનગર અને દ્વારકાના કેટલાક ગામોમાં પુરની સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કાલાવડમાં વરસ્યો 15 ઈંચ વરસાદ.
ગુજરાતમાં હવે ચોમાસુ સક્રિય બન્યું છે. છેલ્લાં ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં અપાર મેઘ મહેર થઇ છે અને લગભગ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો પાણીથી તરબોળ થઇ ગયા છે. હવામાન વિભાગના અધિકારી ,ડો. જંયત સરકારે આગાહી કરી છે કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે, હજુ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
ગીર સોમનાથમાં ગતરાત્રીએ પડલાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. સૂત્રાપાડા વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાતાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીંતી છે. જ્યારે તાપીમાં મહારાષ્ટ્રમાંથી પાણી છોડાતાં ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. રાજકોટ માં ,છેલ્લા 24 કલાક દરમિયાન,12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ ચારથી 15 ઇંચ વરસાદ નોંધાયો છે.
જેમાં કાલાવડમાં 15 ઇંચ ધ્રોલ અને જોડીયામાં આઠ-આઠ ઇંચ, લાલપુરમાં 9 ઇંચ અને જામનગર શહેરમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના ચુડામાં આવેલા વાસણ ડેમ 90 ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ અપાયું છે. ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે. જેમાં અરવલ્લીમાં ગઇકાલથી વરસાદ શરૂ થયો છે. તો કચ્છમાં પણ ગતરાતથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે. પ્રાંચીની સરસ્વતી પુર આવતા માધવરાયજી મંદિર ત્રીજી વખત પાણીમાં ડૂબ્યું હતું.
