સ્વચ્છ ઈંધણના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવા 'ફુલ ડીલર ઓન્ડ ડીલર ઓપરેટેડ' યોજના મંજૂર
Live TV
-
રાજ્યમાં ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ અને ગ્રીન મોબિલિટીને વધુ વ્યાપક બનાવવા PPP મોડલથી CNG સ્ટેશન વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ફુલ ડીલર ઓન્ડ ડીલર ઓપરેટેડ- FDODO CNG સ્કીમને મંજૂરી આપી છે. આ યોજનાનો અમલ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. એટલું જ નહીં, યોજના માટે પારદર્શક સિલેક્શન પ્રોસેસના આધારે પસંદગી કરવામાં આવશે. દેશમાં એકમાત્ર ગુજરાતમાં જ સમગ્ર રાજ્યમાં ગેસ ગ્રીડ નેટવર્ક ફેલાયેલું છે તથા બહુધા જિલ્લાઓ આ ગેસ નેટવર્કથી જોડાયેલા છે. આ ઉપરાંત ગુજરાત 1002 જેટલા CNG સ્ટેશન સાથે દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં CNG સ્ટેશન્સનો વ્યાપ વધારવા અને CNG વાહન ધારકોને સરળતાએ CNG બળતણ ઉપલબ્ધ થાય તેવા હેતુથી આ યોજના મંજૂર કરવામાં આવી છે.
આ યોજના અન્વયે CNG સ્ટેશન ઊભું કરવા માટે જમીનને લગતી મંજૂરી લેવાની તથા દસ્તાવેજ કરાવવાની સંપૂર્ણ જવાબદારી ડીલરની રહેશે. CNG સ્ટેશનમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડના સ્પેસિફિકેશન અનુસાર સ્ટેશન સેટઅપ ,બાંધકામ થતા મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ કામ પણ ડીલરે જ કરાવવાનું રહેશે. એટલું જ નહીં, CNG ઇક્વિપમેન્ટ માટે જરૂરી કોમ્પ્રેસર, કાસકેડ, CNG ડિસ્પેન્સર, ટ્યુબિંગ્સ, વગેરે ખરીદીને તેને ફીટ કરવાનું તેમજ ચાલુ કરવાનું કામ પણ ડીલરનું જ રહેશે. ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ અંદાજે 3050 કિલોમીટરના સ્ટીલ નેટવર્કથી ડીલરના ઓનલાઈન સ્ટેશને ગેસ પહોંચાડશે. જ્યાં આવો ઓનલાઇન ગેસ પહોંચી શકે નહીં તેવા ડોટર બુસ્ટર CNG સ્ટેશનને ડીલરના લાઈટ, મીડીયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલને અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન કે બુસ્ટર કોમ્પ્રેસર વિના CNG પૂરો પાડવામાં આવશે.
