હર્ષ સંઘવી: સર્વાંગી વિકાસ પામેલું ગુજરાત રમતગમત ક્ષેત્રે બનશે વિશ્વનું રોલ મોડેલ
Live TV
-
વિધાનસભાગૃહ ખાતે રાષ્ટ્રીયકક્ષાના ખેલાડીને વૃત્તિકા સહાય આપવાની યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સર્વાંગી વિકાસ પામેલું ગુજરાત રમતગમત ક્ષેત્રે વિશ્વનું રોલ મોડેલ બનશે.
રાષ્ટ્રકક્ષાએ ભાગ લેતા ખેલાડીઓને વાર્ષિક બે હજાર રૂપિયા વૃતિકા સહાય આપવાની યોજના છે. શક્તિદૂત યોજનાની માહિતી આપતા કહ્યું કે, શક્તિદૂત યોજના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની જરૂરિયાત આધારિત સુવિધાઓ જેવી કે રમતગમતના આધુનિક સાધનો, કોચિંગ, નિષ્ણાત પ્રશિક્ષકોની સેવાઓ, તાલીમ, સ્પર્ધા ખર્ચ, મનોવૈજ્ઞાનિક વર્કશોપ માટે નાણાંકીય સહાય આપવા, સ્પોર્ટ્સ મેડિસિન અને અન્ય સુવિધાઓ માટે અમલમાં મૂકવામાં આવી હતી. પ્રતિ ખેલાડીને વાર્ષિક 25 લાખ રૂપિયા સુધીની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. તમામ શક્તિદૂત ખેલાડીઓનો મેડિક્લેમ અને આકસ્મિક મૃત્યુ પોલિસી સાથે વીમો લેવામાં આવે છે.
મંત્રી હર્ષ સંઘવીએ ખેલમહાકુંભ વિશે જણાવ્યું કે, 2010 માં 16 ખેલ, 13 લાખ ખેલાડીઓ સાથે થયેલી શરૂઆત 36 સ્પોર્ટ્સ, 26 પેરા-સ્પોર્ટ્સ બાદ 55 લાખ ખેલાડીઓ ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતમાં વર્ષ 2002 પહેલા માત્ર 3 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હતા, જેની સંખ્યા આજે 24 એ પહોંચી છે. તેમણે રાજ્યમાં ૪૪ સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું.
