હોળીના તહેવાર નિમિતે પોરબંદરના બજારોમાં ખજૂર, ધાણી, દાળિયાની આવક
Live TV
-
હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હોલસેલ માર્કેટમાં ધાણી, દાળિયા, ખજૂર, હાયડા, પતાશા સહિતની ચીજોનું આગમન થયું છે. હોલસેલ અને રીટેઇલ બજારમાં તેજી જોવા મળી છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અંદાજિત સવા લાખ કિલો ખજૂર અને 4 લાખ કિલો પતાશા હાયડા, 1 લાખ કિલો જીણી ધાણીનું વેચાણ થશે. હોળી પર્વ નિમિતે મુખ્ય 3 જાતના ખજૂર વધુ વેંચાઈ છે. હોળી દરમ્યાન હાયડા અને પતાશાનું થઈ રહ્યું છે વેચાણ.
હોળીના તહેવાર નિમિતે બહેનો આખો દિવસ ઉપવાસ કરતા હોય છે અને સાંજે હોલિકા દહન થાય ત્યારે પ્રદક્ષિણા કરી અને ભોજન લેતા હોય છે. હોલિકા દહન બાદ ખજૂર, ધાણી, દાળિયા, પતાશા, હાયડા ખાવાની પ્રથાઓ આજે પણ ચાલતી આવે છે. હોલિકા દહનમાં લોકો ધાણી, શ્રીફળ, ખજૂર, પતાશા, હાયડા મૂકી પૂજા પણ કરતા હોય છે. પરંતુ આ મહત્વ ધાર્મિક સાથે આરોગ્યને અસરકારક હોવાથી ખજૂર, ધાણી, દાળિયા, જેવી વસ્તુઓ આરોગવામાં પણ આવતી હોય છે.
હોળીના પર્વ નિમિતે ધાણીની પુષ્કળ ખરીદી થતી હોય છે. ગત વર્ષે હોળી પર્વ દરમિયાન મકાઈની ધાણીનો ભાવ રૂ.100 કિલો હતો. આ વખતે ધાણીનો ભાવ રૂ.200એ પહોંચ્યો છે. મકાઈના ભાવમાં વધારો થતા ધાણીના ભાવ બમણા થયા હોવાનું વેપારીએ જણાવ્યું છે.
