1000 સરકારી શાળાઓમાં વરસાદી પાણીનો થશે સંગ્રહ, CM રૂપાણીએ પ્રોજેક્ટ કર્યો લૉન્ચ
Live TV
-
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં કમલમ ખાતે બેઠક મળી હતી, જેમાં વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ઈ-લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. શાળામાં વૉટર હાર્વેસ્ટિંગ મામલે સમગ્ર દેશમાં સૌ પ્રથમ વડોદરા જિલ્લાની શાળાઓ ઉદાહરણરૂપ બની છે.
વડોદરા જિલ્લા વહિવટીતંત્ર એ જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના ૧૦૦૦ જેટલા ભવનોને તબક્કાવાર આવરી લઇને આ શાળા ભવનોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ વરસાદી પાણીના સંગ્રહનો પ્રોજેકટ માત્ર નવ માસના ટૂંકાગાળામાં પૂર્ણ કર્યો છે.
મુખ્યમંત્રીએ રેઇન વોટર હાર્વેસ્ટીંગ પદ્ધતિથી જળ સંચય-જળ સંગ્રહનું આહવાન કર્યું હતું. પ્રોજેક્ટના લૉન્ચિંગ બાદ હવે રાજ્યમાં 1000 સરકારી શાળાઓમાં વર્ષે 10 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. વડોદરા પ્રોજેક્ટ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રૂ. ૬ કરોડના ખર્ચે માત્ર નવ માસમાં ૧૦૦૦ શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ પૂર્ણ કરી દેશને જળ સંચયનો નવો રાહ વડોદરાએ બતાવ્યો છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જળ એ જ જીવન છે અને પાણી જ વિકાસનો આધાર છે ત્યારે આપણી પૂરાતન પરંપરા એવી વરસાદી પાણીના ભૂર્ગભ જળસંગ્રહ ટાંકાની પદ્ધતિને હવેના નૂતન અભિગમ સાથે અપનાવી જળસુરક્ષા માટે સૌએ સામૂહિક પ્રયાસો કરવા જોઇએ. મુખ્યમંત્રીએ રાજ્યમાં પાણીના દુષ્કાળને ભૂતકાળ બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી જન સહયોગ દ્વારા જે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપાડયું છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
વધુમાં તેમણે કહ્યું કે, નદી-તળાવો ચેકડેમ ઊંડા કરીને કાંપ-માટી કાઢીને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઇ શકે તે હેતુથી રાજ્ય સરકારે ર૦૧૮ના વર્ષથી શરૂ કરેલા આ અભિયાનમાં આ વર્ષે કોરોના સંક્રમણના પડકાર છતાં પણ સમગ્રતયા ત્રણ વર્ષમાં ૪૦૬ર૮ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા આપણે વધારી શકયા છીયે.
મુખ્યમંત્રીએ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાની દિશામાં જે આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે તેની વિગતો આપતાં કહ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપરાંત રિયુઝ ઓફ વોટર, સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવા ૧૦ જેટલા ડિસેલીનેશન પ્લાન્ટસ, નગરો-મહાનગરોમાં ગંદા પાણીને શુદ્ધ કરી રિટ્રીટ કરીને તેનો ઊદ્યોગો, ખેતીવાડી માટે ઉપયોગ-રિયુઝ કરવાની નક્કર કામગીરી ગુજરાતે કરીને દેશને નવો રાહ બતાવ્યો છે.
