23 આઈલેન્ડ બેટનો પ્રથમ તબક્કામાં વિકાસ કરાશે
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પ્રથમ બેઠકમાં રાજ્યના પ૦ હેકટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ર૩ આઇલેન્ડ-બેટનો પ્રથમ તબક્કામાં પ્રવાસન ધામ સહિત હોલિસ્ટીક ડેવલપમેન્ટ માટેનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્રકિનારો અને ૧૪૪ જેટલા આઇલેન્ડ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે ત્યારે ભારત સરકારની આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત આ આઇલેન્ડના સર્વગ્રાહી વિકાસ માટેની ચર્ચા-વિચારણા કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ જે ર૩ આઇલેન્ડમાં પ્રવાસન, પર્યાવરણીય સુરક્ષા, મત્સ્યોદ્યોગ, ખેતીવાડી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓનો વિકાસ થવાનો છે તેમાં સ્થાનિક લોકોની રોજગારી અને જરૂરિયાતો ધ્યાને રાખવાનું સૂચન કર્યુ હતું. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વન-પર્યાવરણ મંત્રી ગણપત વસાવા, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરાઈ છે. જેમાં ઓથોરિટીના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી તેમજ સભ્યો તરીકે નાયબ મુખ્યમંત્રી, પ્રવાસન, વન-પર્યાવરણ મંત્રી, ગૃહ રાજયમંત્રી સહિત ૧૪ સભ્યોનો સમાવેશ કરાયો છે
