472 PSI સહિત 12,472 પોલીસકર્મીઓની ભરતી કરાશે, ફક્ત ઓનલાઇન જ કરી શકાશે અરજી
Live TV
-
પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષક અને PSI માટે ભરતીની જાહેર કરી છે. ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12,472 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે.
આ અંગે માહિતી આપતા ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, કુલ 12,472 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ ભરતી બોર્ડની વેબસાઈટ પર 4 થી 30 એપ્રિલ સુધી અરજી કરી શકશે. ડુપ્લીકેટ અરજીઓ અટકાવવા માટે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ઉમેદવારે તેનું નામ 12 મા ધોરણની છેલ્લી માર્કશીટ પ્રમાણે લખવાનું રહેશે સાથે 12મા ધોરણની માર્કશીટ અરજીપત્રકમા અપલોડ કરવાની રહેશે. કોન્સ્ટેબલ માટે ધોરણ 12 અને PSI માટે ગ્રેજ્યુએટ લાયકાત રહેશે.
ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે. આ તમામ સુચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે. ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.
