AMCએ શરૂ કરી 'કોરોના સાંત્વના' હેલ્પલાઈન, 1100 નંબર પર ફોન કરી મેળવો મનોવૈજ્ઞાનિક સલાહ
Live TV
-
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાઓની સમીક્ષા માટે ગઈકાલે સાબરમતી રીવરફ્ર્ન્ટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી.જેમાં જુદા-જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યાં હતાં.જેમાં વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ તો કોવિડ-19ના પરિણામે ઉભી થતી માનસિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓમાં લોકોને મદદ મળે તે માટે 'કોરોના સાંત્વના' નામની 1100 નંબરની એક નવી હેલ્પ લાઈન શરૂ કરીને મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન પુરૂ પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ હેલ્પલાઈન ઉપર બે ખાસ ટીમો સવારે 9થી રાત્રીના 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહી શહેરીજનોને માનસિક તકલીફો કે સમસ્યા અંગે ચર્ચા કરી નિઃશુલ્ક સલાહ અને માર્ગદર્શન પુરૂ પાડશે. દરેક ટીમમાં ત્રણ નિષ્ણાતં તાલીમબદ્ધ અને અનુભવી મનોચિકિત્સક ઉપલબ્ધ રહેશે. જેઓ કોરોનાની અસરો અંગેની ચિંતા નકારાત્મક વિચારો, કુટુંબીજન અથવા તો નજીકની વ્યક્તિના કોરોના સંક્રમણ કે મૃત્યુ થકી ઉભા થયેલા માનસિક આઘાત તેમજ સલામતીની ચિંતા જેવી વિવિધ માનસકિ તકલીફ વિશે ચર્ચા કરીને નિદાન કરશે.
વધુ ગંભીર કિસ્સાઓમાં નિષ્ણાંતોનાં અભિપ્રાય માટે SVP હોસ્પિટલ અને LG હોસ્પિટલના વરિષ્ઠ તબીબોની એક ટીમ પણ રાખવાનું નક્કી કરાયું છે. અમદાવાદીઓ માટે અમલમાં આવતી 'કોરોના સાંત્વના' 1100 નંબરની હેલ્પ લાઈન સમગ્ર દેશમાં આ પ્રકારની સેવા આપતી સર્વપ્રથમ હેલ્પલાઈન છે.
