Skip to main content
Settings Settings for Dark

AMC દ્વારા અમદાવાદ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ પોલિસી 2026 કરાઈ જાહેર

Live TV

X
  • શહેરની શહેરી સમસ્યાઓને નવી ટેકનોલોજી અને નવીન વિચારોથી ઉકેલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે.

    સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ (SCADL) સાથે સંકલન કરીને AMCએ “અમદાવાદ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ પોલિસી 2026” જાહેર કરી છે, જે દેશના મ્યુનિસિપલ સ્તરે પ્રથમ પ્રકારની અનોખી પહેલ તરીકે જોવામાં આવી રહી છે.આ પોલિસી હેઠળ અમદાવાદ શહેર હવે દેશભરના સ્ટાર્ટઅપ્સ, યુવા ઇનોવેટર્સ, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે એક “લિવિંગ લેબોરેટરી” તરીકે ઉભરશે, જ્યાં તેઓ પોતાની નવીન તકનીકી અને વિચારોને વાસ્તવિક પરિસ્થિતિમાં ટેસ્ટ કરી શકશે. શહેરમાં રસ્તાના ખાડા ઝડપી ઠીક કરવાથી લઈને પૂરની આગાહી, કચરો વ્યવસ્થાપન વધુ સ્માર્ટ બનાવવું અને હવા પ્રદૂષણ ઘટાડવા જેવા પ્રશ્નો માટે સ્ટાર્ટઅપ્સને સીધી તક આપવામાં આવશે.

    AMCએ આગામી પાંચ વર્ષ માટે કુલ ₹250 કરોડના ઈનોવેશન ફંડની જાહેરાત કરી છે, જેમાં દર વર્ષે ₹50 કરોડ ફાળવવામાં આવશે. આ ફંડનો ઉપયોગ સ્ટાર્ટઅપ્સના પાઇલટ પ્રોજેક્ટ, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ અને સફળ મોડેલના વિસ્તરણ માટે કરવામાં આવશે. ખાસ કરીને, પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સને રૂ . 35 લાખ સુધીની  સહાય સરળતાથી મળી રહેશે. આ પ્રક્રિયામાં કોઈ બિલ કે ઇન્વોઇસની આવશ્યકતા નહીં રાખવામાં આવે, જે સ્ટાર્ટઅપ્સ માટે મોટી રાહત ગણાય છે.આ પોલિસી હેઠળ પ્રોક્યોરમેન્ટ થ્રેશોલ્ડ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવ્યા છે. ₹7.5 લાખ સુધીના પ્રોજેક્ટ્સ માટે પાઇલટ ફંડિંગ સપોર્ટ અને પ્રૂફ ઓફ કન્સેપ્ટ માટેની ગ્રાન્ટને સ્ક્રિનિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવશે, તેમજ ₹7.5 લાખ સુધીના પ્રૂવન સોલ્યુશન્સ માટે ડાયરેક્ટ પ્રોક્યોરમેન્ટ અને વર્ક ઓર્ડર જારી કરવાની સત્તા પણ સ્ક્રિનિંગ કમિટી પાસે રહેશે. ₹7.5 લાખથી ₹15 લાખ સુધીના પ્રોજેક્ટ્સ માટે પ્રૂવન સોલ્યુશન્સ માટે ડાયરેક્ટ પ્રોક્યોરમેન્ટ અને વર્ક ઓર્ડર જારી કરવાની મંજૂરી બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BoM) દ્વારા આપવામાં આવશે. ₹15 લાખથી વધુ અને ₹35 લાખ સુધીના પ્રોજેક્ટ્સ માટે સ્ટાર્ટઅપ્સમાંથી મર્યાદિત બિડ સાથે બિડ ચેલેન્જ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવશે. જ્યારે ₹35 લાખથી વધુના પ્રોજેક્ટ્સ માટે તમામ ફર્મ્સ પાસેથી ખુલ્લી બિડ સાથે, રાઇટ ઓફ ફર્સ્ટ રિફ્યુઝલ (ROFR) સહિતની બિડ ચેલેન્જ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે, અને આવા તમામ કેસોમાં પણ અંતિમ મંજૂરી બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BoM) દ્વારા આપવામાં આવશે.*

    પોલિસી હેઠળ સ્ટાર્ટઅપ્સને શહેરની મહત્વપૂર્ણ સુવિધાઓ જેમ કે પાણી પુરવઠા નેટવર્ક, કચરો સંકલન સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટિંગ, BRTS કોરિડોર, ડ્રેનેજ અને આરોગ્ય કેન્દ્રો સુધી સીધી ઍક્સેસ આપવામાં આવશે. AMCનો ભાર માત્ર પ્રેઝન્ટેશન પર નહીં પરંતુ જમીન પર કામ કરતા સોલ્યુશન્સ પર રહેશે.આ સાથે, AMCએ સ્ટાર્ટઅપ્સને પ્રોપર્ટી ટેક્સમાં પણ રાહત આપવાની જાહેરાત કરી છે. AMC સાથે કાર્યરત સ્ટાર્ટઅપ્સને ત્રણ વર્ષ સુધી 50 ટકા સુધીની ટેક્સ છૂટ મળશે, જે 250 સ્ક્વેર મીટર સુધીના ઓફિસ માટે લાગુ પડશે. ઉપરાંત, PPP મોડલ હેઠળ કો-વર્કિંગ સ્પેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને શહેરના કોમ્યુનિટી હોલ તથા ઓડિટોરિયમને ઇનોવેશન હબ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે, જો કે સીધી જમીન ફાળવણી કરવામાં આવશે નહીં.

    પોલિસીનો એક મહત્વપૂર્ણ પાસો એ છે કે સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવતી ટેકનોલોજી અને સોલ્યુશન પર તેમનો જ અધિકાર રહેશે. AMC માત્ર તેનો ઉપયોગ કરવા માટે લાઇસન્સ લેશે. SCADL દ્વારા માત્ર સફળતા બાદ અને કેસ આધારિત રીતે 2 ટકા જેટલો ઈક્વિટી હિસ્સો લેવામાં આવી શકે છે, જ્યારે પાઇલટ સ્ટેજ દરમિયાન કોઈ ઈક્વિટી લેવામાં નહીં આવે.શહેરમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે AMC દ્વારા સબસિડાઇઝ્ડ દરે ઓડિટોરિયમ અને જાહેર હોલ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યાં સ્ટાર્ટઅપ ઇવેન્ટ, વર્કશોપ અને ઇન્વેસ્ટર મીટ યોજી શકાશે. ઉપરાંત, ઈનોવેશન બોન્ડ દ્વારા ફંડ એકત્રિત કરવાની યોજના પણ વિચારાધીન છે, જેનાથી સફળ સોલ્યુશન્સને શહેરભરમાં વિસ્તૃત કરી શકાય.

    મોટા પ્રોજેક્ટ્સમાં પણ સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. ₹50 કરોડથી વધુના AMC પ્રોજેક્ટ્સમાં 15 ટકા કામ સ્ટાર્ટઅપ્સ માટે અનામત રાખવામાં આવશે. એટલું  જ નહી કેન્દ્ર સરકારના MSMEની ગાઈડલાઈન અનુસાર તેનું પાલન કરવામાં આવશે. આ સાથે જ “રાઇટ ઓફ ફર્સ્ટ રિફ્યુઝલ” (ROFR)ની વ્યવસ્થા દ્વારા સ્ટાર્ટઅપ્સને ટેન્ડર પ્રક્રિયામાં પોતાનું સોલ્યુશન આગળ વધારવાની તક મળશે.સ્ટાર્ટઅપ્સ માટે એક કોમન ડિજિટલ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે, જ્યાં તેઓ અરજી કરી શકશે, શહેરની સમસ્યાઓ જાણીને તેના ઉકેલો રજૂ કરી શકશે, મેન્ટર્સ સાથે જોડાઈ શકશે અને ટેન્ડર સંબંધિત માહિતી મેળવી શકશે. આ સાથે, AMC દર વર્ષે 3થી 5 દિવસનો ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ફેસ્ટ પણ યોજશે, જેમાં સ્ટાર્ટઅપ એક્સ્પો, હેકાથોન, પિચિંગ અને ડેમો ડે જેવા કાર્યક્રમોનો સમાવેશ થશે.

    આ પોલિસી હેઠળ ભારતભરના DPIIT માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ ઉપરાંત વિદ્યાર્થી, સંશોધક અને વ્યક્તિગત ઇનોવેટર્સ પણ અરજી કરી શકે છે, અને જો તેઓ હજુ સુધી રજિસ્ટર્ડ ન હોય તો પસંદગી બાદ તેમને 6 મહિનામાં રજિસ્ટ્રેશન કરવાની તક આપવામાં આવશે. આ પોલિસી છેલ્લા એક વર્ષ દરમિયાન સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ નિષ્ણાતો, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય ભાગીદારો સાથે ચર્ચા કરીને તૈયાર કરવામાં આવી છે. આમાં સરકાર સાથે કામ કરતી વખતે સ્ટાર્ટઅપ્સને આવતી મુશ્કેલીઓનું સંપૂર્ણ સમાધાન આપવામાં આવ્યું છે અને એક વ્યવહારુ તથા અમલીકરણ આધારિત મોડેલ રજૂ કરવામાં આવ્યું છે.આ પોલિસી દ્વારા અમદાવાદ હવે અર્બન ઈનોવેશન માટે લિવિંગ લેબોરેટરી તરીકે ઉભરશે, જ્યાં સ્ટાર્ટઅપ્સ તેમના ઉકેલો બનાવી, ટેસ્ટ કરી અને સ્કેલ કરી શકશે. આમ,  અમદાવાદે માત્ર એક નવી પોલિસી જાહેર કરી નથી, પરંતુ શહેર અને ઇનોવેટર્સ વચ્ચે સહકારની નવી વ્યવસ્થા ઉભી કરી છે. AMCના આ પગલાથી અમદાવાદ હવે અર્બન ઈનોવેશન માટે દેશનું આગવું કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply