GSCDCદ્વારા ૧,૪૮૭ લાભાર્થીઓને રૂ. ૩૯.૨૫ કરોડના ધિરાણનું વિતરણ
Live TV
-
સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર જણાવ્યું છે કે, અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આર્થિક રીતે સધ્ધર બનાવી સ્વરોજગાર મેળવે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સઘન આયોજન કર્યું છે. જેના ભાગરૂપે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૧,૪૮૭ લાભાર્થીઓને રૂા. ૩૯.૨૫ કરોડનું ધિરાણ કરવા માટે ઓનલાઇન ડ્રો કરવામાં આવેલ છે.
આજે ગાંધીનગર ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ધિરાણ ઓનલાઇન ડ્રો દ્વારા ઉપલબ્ધ કરાવ્યા બાદ મંત્રી પ્રદીપભાઈ પરમારે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વરોજગાર સહિત રોજગારી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને અનેકવિધ પગલાં લીધાં છે.
મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન તથા ભારત સરકારના NSFDC નવી દિલ્હીની સહયોગી યોજનાઓમાં ટ્રેક્ટર ટોલી યોજનામાં ૬૫ લાભાર્થીઓને રૂા .૪.૬૩ કરોડ, મોબાઇલ ફુડકોર્ટવાન યોજનામાં ૨૧ લાભાર્થીઓને રૂા. ૧.૨૭ કરોડ, નાના પાયાની યોજનાઓમાં ૩૨ લાભાર્થીઓને રૂા. ૦.૩૦ કરોડ, માલ વાહક ફોર વ્હીલર યોજનામાં ૪૧ લાભાર્થીઓને રૂા. ૨.૪૦ કરોડ, ફોર વ્હીલર પેસેન્જર ટેક્ષી યોજનામાં ૭૯ લાભાર્થીઓને રૂા. ૪.૬૭ કરોડ અને થ્રી વ્હીલર યોજનામાં ૩૩૭ લાભાર્થીઓને રૂા. ૮.૧૬ કરોડ એમ મળીને કુલ ૨કમ રૂા.૨૧.૪૪ કરોડના ધિરાણ માટે કુલ ૫૭૫ લાભાર્થીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, રાજ્ય સરકાર સહાયિત યોજનાઓમાં નાના પાયાની યોજનામાં ૫૮૯ લાભાર્થીઓને રૂા. ૮.૭૭ કરોડ, મારૂતી સુઝુકી ઈકો યોજનામાં ૪૩ લાભાર્થીઓને રૂા. ૨.૦૪ કરોડ તેમજ થ્રી વ્હીલરની યોજનાઓમાં ૨૮૦ લાભાર્થીઓને રૂા. ૭.૦૦ કરોડ મળી કુલ રકમ રૂા. ૧૭.૮૨ કરોડના ધિરાણ માટે કુલ ૯૧૨ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ બન્ને યોજનાઓમાં કુલ ૧૪૮૭ લાભાર્થીઓને કુલ રકમ રૂા. ૩૯.૨૫ કરોડનું ધિરાણ કરવા માટે ડ્રો કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશના મેનેજીંગ ડિરેક્ટર પ્રકાશ સોલંકી સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
