ICJS અને Face Match Appથી 102 ગુનાનો રીઢો આરોપી ઝડપાયો, રૂ.15 લાખના દાગીના રિકવર
Live TV
-
લીંબાયત પોલીસે 120 જેટલા CCTV ફૂટેજ તપાસી આરોપીને ઝડપી લીધો; હત્યા, ઘરફોડ ચોરી અને મારામારી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલાયો
સુરતની લીંબાયત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, ICJS પોર્ટલ અને Face Match Appની મદદથી હત્યા, ઘરફોડ ચોરી અને મારામારી સહિત આશરે 102 ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી આશરે રૂ.15 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના રિકવર કરી ઘરફોડ ચોરીના 5 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
120 જેટલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા
લીંબાયત પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાની તપાસ દરમિયાન સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લગાવવામાં આવેલા આશરે 120 CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે આરોપીનું લોકેશન મળતાં પોલીસ ટીમે નિલગીરી સર્કલ નજીક આવેલા ખુલ્લા મેદાનમાંથી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી 116.97 ગ્રામ સોનાના અને 247.460 ગ્રામ ચાંદીના દાગીના મળી આવ્યા હતા.
પોલીસને ખોટું નામ આપ્યું, Face Match Appથી ખુલાસો
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ કિરણ ચુનીલાલ મોરેકર અને પોતે મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જોકે, તેનું વર્તન શંકાસ્પદ લાગતાં પોલીસે તેનો ફોટો Face Match Appમાં ચેક કર્યો હતો. Face Match Appમાં તપાસ કરતાં આરોપીની ઓળખ નિલેશ અંકુશ કાલે તરીકે થઈ હતી. ત્યારબાદ પોલીસે ICJS પોર્ટલ પર તેનો ગુનાહિત ઈતિહાસ તપાસ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી સામે હત્યા, ઘરફોડ ચોરી અને મારામારી સહિત આશરે 102 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
લીંબાયત, ઉધના ઉપરાંત મુંબઈ-પુણેમાં પણ ચોરી
વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ લીંબાયત અને ઉધના વિસ્તારમાં તેમજ મુંબઈ અને પુણેમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે મુંબઈ અને પુણેમાં નોંધાયેલા ત્રણ ગુનાઓમાં ધરપકડથી બચવા માટે તે ફરાર હતો.
5 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો
ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ, Face Match App અને ICJS પોર્ટલના ઉપયોગથી પોલીસે આરોપીને ઝડપી પાડવાની સાથે 5 અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી પાસેથી મળેલા સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
